Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

એટીએમ કલોનીંગ કરીને છેતરપીંડી કરનાર હરીયાણાનો સંદીપ કૌશીક દહેરાદુનથી ઝડપાયો

જુનાગઢ એસઓજી અને સાઇબર ક્રાઇમ સેલને મોટી સફળતાઃ રૂ. ૯.૪૯ લાખનો મુદામાલ જપ્ત

જુનાગઢ, તા., ૨૯: એટીએમ કલોનીંગ કરી ફોડ આચરી પોલીસની ઉંઘ હરામ કરનાર હરીયાણાના શખ્સની દહેરાદુન ખાતેથી જુનાગઢ એસઓજી અને સાઇબર ક્રાઇમ સેલના કાફલાએ ધરપકડ કરી મોટી સફળતા મેળવી છે.

 

હરીયાણાના આ ઇસમના મિત્રની પણ માણસા ખાતેથી ધરપકડ કરીને પોલીસે રૂ. ૯.૪૯ લાખની રોકડ તેમજ ફોડ માટેની સાધન સામગ્રી કબ્જે કરીને મોટી સફળતા હાંસલ કરેલ છે. છેલ્લા ચાર માસથી ગુજરાતના જુદા-જુદા વિસ્તારોમાં એટીએમ કલોનીંગના બનાવો અને બેંક ખાતામાંથી કોઇ પણ જાતની ઓટીપી અને એટીએમ નંબર આપ્યા વગર પૈસા ઉપડી જતા હોય જેની અનેક પોલીસ ફરીયાદ દાખલ થઇ હતી.

આ ગુનાનો ભેદ ઉકેલવા માટે જુનાગઢ રેંજના આઇજી સુભાષ ત્રિવેદીની સુચનાથી એસપી સૌરભ સિંઘના હુકમથી જુનાગઢ એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ જે.એમ.વાળા તથા તેમની ટીમ અને સાઇબર ક્રાઇમ સેલના કાફલાએ કમર કસી હતી.

આ દરમિયાન મળેલી માહીતીના આધારે એસઓજીના પીઆઇ શ્રી વાળા, હેડ કોન્સ્ટેબલ  એમ.વી.કુહાડીયા, વી.કે.ચાવડા, એસ.કે. બારૈયા અને ડ્રાઇવર બાબુભાઇ વગેરેએ હરીયાણાના સોનીપત જિલ્લામાં તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં ઉતરાખંડના દેહરાદુન ખાતે રહેતો સંદીપ રાજેન્દ્ર કૌશીક (ઉ.વ.૩૦) ની ધરપકડ કરી હતી.

સંદીપ કૌશીકની એસઓજી દ્વારા પુછપરછ કરવામાં આવતા આ શખ્સે તેનો ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે રહેતો મિત્ર શાંતનું વિક્રમ અજય વિક્રમ શર્મા સાથે ફોડ આચર્યો હોવાની કબુલાત આપી હતી.

એસઓજી દ્વારા સંદીપ રાજેન્દ્ર કૌશીક પાસેથી એટીએમ કલોનીંગ માટે ઉપયોગમાં લેવાયેલ ઇલેકટ્રોનીક ઉપકરણો રૂ. ૯,૪૯,પ૦૦ની રોકડ ઉપરાંત એક લેપટોપ, રીડર, નકલી ૩૩ એટીએમ કાર્ડ, ત્રણ પાસબુક, આધારકાર્ડ અને ડ્રાઇવીંગ લાયસન્સ કબ્જે કરવામાં આવેલ અને તેન તા.ર૬ના રોજ દહેરાદુનના વસંત વિહાર વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

આ શખ્સને જુનાગઢ લાવીને તેની પુછપરછ કરતા ફ્રોડમાં સામેલ તેનો મિત્ર વિક્રમ અજયની માણસા ખાતેથી તા.ર૮ ના રોજ વિધિવત ધરપકડ કરી હતી.

આ બંન્ને શખ્સોએ પુછપરછમાં જુનાગઢ ઉપરાંત કલોલ, વિશનગર, અમદાવાદ, રાજકોટ, મોરબી, તળાજા, મહુવા, જેતપુર, ગોંડલ વગેરે જગ્યાએ એટીએમ કલોનીંગ કરી ફ્રોડ આચર્યો હોવાની કબુલાત આપી હતી.

આ કામગીરીમાં આઇજી સુભાષ ત્રિવેદીની સાઇબર ક્રાઇમ સેલની ટીમ ઉપરાંત એસઓજીના જમાદાર પી.એમ.ભારાઇ, એએસઆઇ આર.વી.વ્યાસ, હેડ કોન્સ્ટેબલ  પિયુષ ચાવડા, મહેન્દ્ર ડેર, રવિકુમાર ખેર, કીશોરભાઇ નિમાવત, લખમણભાઇ તેમજ સાઇબર ક્રાઇમના હરીષભાઇ પીઠીયા, દિપકભાઇ જાની અને ડ્રાઇવર જયેશભાઇ વગેરે રોકાયા હતા.(૪.૯)

(2:35 pm IST)