Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

વૃદ્ધના મોતના મામલે જુનાગઢ સી ડીવીઝનના ૧૦ થી ૧ર પોલીસ કર્મચારીઓ સામે નોંધાતો હત્યાનો ગુનો

લુંટના ગુનાની તપાસ માટે વૃદ્ધને લાવી માર મારતા મોત થયેલ

જુનાગઢ તા. ર૯ : એક વૃદ્ધના મોતના મામલે જુનાગઢ સી ડીવીઝનના ૧૦ થી ૧ર પોલીસ કર્મી સામે હત્યાનો ગુનો નોંધાતો હલચલ અને સનસનાટી મચી ગઇ છે.

આ અંગેની વિગતો એવી છે કે, ગત તા.૧૬ ઓગસ્ટના રોજ રાત્રીના જુનાગઢ સી ડીવીઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઝૂપડપટ્ટીમાંથી શંકર ધુળાભાઇ કલીયાવાડા (ઉ.૪૧) અને હીરાભાઇ રૂપાભાઇ કલીયાવાડા (ઉ.૬૦) વગેરેને પુછપરછ માટે પોલીસ સ્ટેશન પર લાવ્યા હતા.

જેમાં જુનાગઢના મીરાનગર અને રાજદીપ પાર્કમાં બનેલ લૂંટના ગુન્હાની બળજબરીથી કબુલાત કરાવવા માટે પોલીસ સ્ટાફે પ્લાસ્ટીકના પાઇપ વડે માર મારી તમામને પોલીસ સ્ટેશનમાં અટકાયત કર્યા હતા.

જેમાં હીરાભાઇ રૂપાભાઇ નામના વૃદ્ધનું મોત થયુંહ તું.

આ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ વૃદ્ધનું મોત પોલીસના મારના કારણે થયુ હોવાનું માલુમ પડયું હતું.

આથી ગત રાત્રે શંકરભાઇ કલીયાવાડા-બજાણીયા) એ જુનાગઢ સી ડીવીઝન પોલીસ મથકના હીરાભાઇના મોત અંગે ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. આર.એમ.ચૌહાણે સી ડીવીઝનમાં ૧૦ થી ૧ર જેટલા પોલીસ કર્મી સામે હત્યાની કલમ ૩૦ર તેમજ ૩ર૩, ૩૩૦, ૩૪ર, ૩૪૮ અને કલમ ૩૪ મુજબ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી કરી હતી.

આ સનસનીખેજ મોતના મામલાની વધુ તપાસ એસ.સી.એસ.ટી.સેલના ઇન્ચાર્જ ડીવાયએસપી આર.વી.ડામોર ચલાવી રહ્યા છે.

(4:07 pm IST)