Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

ટંકારામાં બાળકોના જીવ બચાવનાર પોલીસ કર્મચારીનું રેંજ આઇજીના હસ્તે સન્માન

મોરબી,તા.૨૯:મોરબી જીલ્લામાં ગત તા. ૧૦ અને ૧૧ ના રોજ થયેલા ભારે વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાવવાની સ્થિતિ સર્જાઈ હતી અને ટંકારાના કલ્યાણપર ખાતે ફસાયેલા લોકોના રેસ્કયુ માટે ટંકારા પોલીસ પહોંચી હતી અને ટંકારાના બહાદુર પોલીસ જવાન પૃથ્વીરાજસિંહ જાડેજાએ જીવના જોખમે બે બાળકોને ખભે બેસાડી રેસ્કયું કર્યા હતા જેની બહાદુરી અને કર્તવ્ય પરાયણતાને સૌ કોઈએ બિરદાવી હતી અને અગાઉ જીલ્લા એસપી દ્વારા પણ તેમનું સન્માન કરાયું હતું

તો વાર્ષિક ઇન્સ્પેકશન માટે રેંજ આઈજી સંદીપસિંહ મોરબી પધાર્યા હોય ત્યારે સર્કીટ હાઉસ ખાતે ભાજપ અને કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિમાં બહાદુર પોલીસ જવાનને સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું હતું રાજકોટ રેંજ આઈજીના હસ્તે પોલીસ જવાનને સન્માન પત્ર એનાયત કરતી વેળાએ જીલ્લા એસપી ડો. કરનરાજ વાદ્યેલા પણ ઉપસ્થિત રહ્યા હતા સન્માન પત્ર મેળવનાર પોલીસ જવાને જણાવ્યું હતું કે રેંજ આઈજી દ્વારા સન્માનપત્ર મેળવવું તે ગર્વની બાબત છે તો જાંબાજ પોલીસ જવાન પૃથ્વીરાજસિંહ જાડેજાનું નામ જીવન રક્ષક પદક માટે પણ નોમીનેટ કરવામાં આવ્યું છે જે જીવન રક્ષક પદક રાષ્ટ્રપતિના હસ્તે એનાયત કરાય છે ત્યારે મોરબી જીલ્લા પોલીસનું ગૌરવ વધારનાર પોલીસ જવાનને સૌ કોઈ શુભેચ્છા પાઠવી રહ્યા છે અને તેની બહાદુરીને પણ બિરદાવી રહ્યા છે.(૨૨.૧૩)

(1:15 pm IST)