Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

સૌરાષ્ટ્રના ખેડૂતો સાથે ભાજપનો કિશાન મોરચો ૪૦૦૦ સ્થાનો પર બેઠકો યોજશે

રાજકોટ જિલ્લા ભાજપ કિશાન મોરચાની કારોબારીમાં રમેશ મુંગરાનું ઉદ્બોધન

રાજકોટ જિલ્લા ભાજપ કિશાન મોરચાની કારોબારી પ્રસંગે મોરચાના પ્રદેશ મહામંત્રી રમેશ મુંગરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ તે પ્રસંગની તસ્વીર(૨-૨)

રાજકોટ, તા. ૨૯ :. જીલ્લા ભાજપા કિશાન મોરચાની બેઠક રાજકોટ જીલ્લાના કિશાન મોરચાના અધ્યક્ષ વિજયભાઈ કોરાટના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત પ્રદેશ ભાજપાના પ્રદેશ કિશાન મોરચાના અધ્યક્ષ બાબુભાઈ જેબલિયા, કિશન મોરચાના પ્રદેશ સહ-પ્રભારી દિપકભાઈ ઠાકુર, પ્રદેશ કિશાન મોરચાના મહામંત્રી રમેશભાઈ મુંગરા, પ્રદેશ કિશાન મોરચાના મંત્રી રાજભા ઝાલા, પ્રદેશ કિશાન મોરચાના કારોબારી સભ્ય વલ્લભભાઈ સેખલિયા, જીલ્લા કિશાન મોરચાના મહામંત્રી હરસુખભાઈ સોજીત્રા સહિતના રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર પ્રાંતના કિશાન મોરચાના પ્રમુખ-મહામંત્રી ઉપસ્થિત રહ્યા હતા.

વિજયભાઈ કોરાટે અટલબિહારી વાજપેયીને શ્રધ્ધાસુમન અર્પણ કરી જણાવ્યુ હતુ કે ગુજરાત કૃષિ વિકાસમાં દેશના ગ્રોથ એન્જીન તરીકે ઉભરી આવ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ  ખેડૂતોની  પ્રગતિ અને કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ બનાવી છે.

રમેશભાઈ મુંગરાએ કિશાન મોરચામાં તાલુકા-મંડળ વાઈઝ સંગઠનાત્મક ચર્ચાઓ કરી જણાવ્યુ હતું કે, સૌરાષ્ટ્રમાં ચાર હજાર ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો સાથે ૪ હજાર બેઠકો યોજના કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિકાસલક્ષી વાતો લોકો સુધી પહોંચાડવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લક્ષ્ય ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધારીત લક્ષ્યને પાર પાડવા માટે થઈ હકીકતલક્ષી વાત ખેડૂતો સુધી પહોંચાડાશે.

બેઠકમાં દીપકભાઈ ઠાકુરએ રાજકોટ જીલ્લાના કિશાન મોરચાના આગેવાનોની કામગીરીને બિરદાવી હતી.

બેઠકમાં સૌરાષ્ટ્ર ઝોનમાંથી રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, બોટાદ, ભાવનગર અને મોરબીના જીલ્લા અને શહેરના કિશાન મોરચાના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ અને પ્રભારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન અને આભારવિધિ રાજકોટ જિલ્લાના મહામંત્રી હરસુખભાઈ સોજીત્રાએ કર્યુ હતુ તેમ રાજકોટ જિલ્લા ભાજપા પ્રેસ મીડિયા ઈન્ચાર્જ અરૂણ નિર્મળ જણાવે છે.(૨-૨)

 

(12:03 pm IST)