Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

સૌરાષ્ટ્રમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઈદે-ગદીરે-ખુમની ઉજવણી

જસદણ, તા. ૨૯ :. સમગ્ર દાઉદી વ્હોરા સમાજમાં આજે બુધવારે હઝરત અલી (અ.સ.)ની સ્મૃતિમાં ઈદે-ગદીરે-ખુમની ઉજવણી થઈ રહી છે. આ અંગે સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, બોટાદ, મોરબી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, ભાવનગર, જસદણ, અમરેલી, ગોંડલ, પોરબંદર, જેતપુર, ધોરાજી, કાલાવડ, ધારી, પાલીતાણા, સાવરકુંડલા, ધ્રોલ, જામખંભાળીયા, મહુવા જેવા અનેક ગામોના વ્હોરા બિરાદરોએ આજે સવારથી અન્નનો એક પણ દાણો અને પાણીનું એક પણ ટીપુ મોઢામાં નાખ્યા વગર રોઝુ પાળી પોતપોતાના ગામોની મસ્જિદોમાં નમાઝ વાએઝ અને મિસાકમાં જોડાય છે હ.અલી (અ.સ.)ને ગર્વભેર યાદ કર્યા હતા. આ સંદર્ભે આજે રાત્રીના ઠેર ઠેર નાત જમણવારો યોજાશે.

ઈસ્લામ ધર્મના મહાન અને આખરી નબી હઝરત મોહંમદ મુસ્તુફા (અ.સ.) પોતાના જીવનની છેલ્લી હજ પઢીને આવ્યા ત્યારે તેમના અનુગામી (વશી) તરીકે પોતાના જમાઈ હઝરત અલી (અ.સ.)ને જાહેર કર્યા તે સ્મૃતિમાં વર્ષોથી ઈદે-ગદીરે-ખુમ ઉજવાય છે.

નામદાર ડો. સૈયદના સાહેબ દ્વારા મુંબઈમાં નમાઝ, વાએઝ

દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમાં દાઈ (સર્વોચ્ચ ધર્મગુરૂ) તાજદાર ડો. સૈયદના અબુ જાફરૂસ્સાદીક આલીકદર મુફદલભાઈ સાહેબ 'સૈફુદીન' (ત.ઉ.શ.) આજે બુધવારે ઈદે-ગદીરે-ખુમના દિવસે વહેલી સવારે મુંબઈની ફાતેમી મસ્જિદમાં નમાઝ પઢાવી હતી અને બદરી મહેલમાં વાએઝ કરી હતી અને નમાઝ પઢાવેલ હતી અને સાંજના મિસાકની બેઠક બાદ મગરીબ ઈશાની નમાઝ પઢાવશે. આમ આખો દિવસ મુંબઈમાં રહેશે.(૨-૪)

(12:03 pm IST)