Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

જુનાગઢમાં હોન્ડા અથડાતાં રેંકડીમાંથી ઉછળેલી પાંચ વર્ષની કોમલનું મોત

બે ભાઇની એકની એક બહેને રાજકોટમાં દમ તોડ્યોઃ દેવીપૂજક પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૨૯: જુનાગઢમાં ભંગારની રેંકડીને બાઇક ચાલકે ઠોકરે ચડાવતાં રેંકડીમાં સુતેલી  પાંચ વર્ષની બાળા ફેંકાઇ જતાં માથા-શરીરે ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે.

જાણવા મળ્યા મુજબ જુનાગઢ દોલતપરામાં ૬૬ કે.વી. સબ સ્ટેશનવાળી શેરીમાં રહેતાં અને ભંગારની ફેરી કરતાં હકાભાઇ ધનજીભાઇ સોલંકી (દેવીપૂજક) અને તેની પત્નિ ગઇકાલે સવારે દસેક વાગ્યે રેંકડી લઇ ભંગારની ફેરી કરવા નીકળ્યા ત્યારે પાંચ વર્ષની દિકરી કોમલને રેંકડીમાં સુવડાવી હતી. પતિ-પત્નિ દોલતપરામાં રેંકડી રાખીને ઉભા હતાં ત્યારે એક હોન્ડા ચાલક રેંકડી સાથે અથડાતા રેંકડીના ટૂકડા થઇ ગયા હતાં અને સુતેલી બાળકી કોમલ ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થતાં જુનાગઢ હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલમાં ખસેડાઇ હતી. અહિ વહેલી સવારે મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના થોભણભાઇ પટેલે કાગળો કરી જુનાગઢ પોલીસને જાણ કરી હતી. મૃતક બે ભાઇથી નાની હતી. (૧૪.૫)

(11:59 am IST)