Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

તળાજામાં જમીન મુદ્દે ફાયરીંગ કરનાર શૈલેષ ધાંધલ્યા સહિત ૩ ઝડપાયા

 ભાવનગર તા. ર૯ :.. જમીન માટે ચાલતા ઝઘડાની અદાવતે તળાજાના ગોપનાથ રોડ પર આવેલ વાડીમાં  ગત તા. ૧૬-૮ ના રોજ કુખ્યાત શૈલેષ ધાંધલ્યાની તળાજા વિસ્તારની બનેલી ગેંગના સભ્ય મુકેશ શીયાળ (રે. દિન દયાળનગર) તળાજા વાળાએ સાત શખ્સો સાથે મંડળી રચી યોગેશ રામજીભાઇ પરમાર (રે. તળાજા) વાળા સામે રીવોલ્વર તાકી ફાયરીંગ કરેલ. અને જમીન ખાલી કરવાની ધમકી આપી બે ફોર વ્હીલમાં આરોપીઓ ફરાર થઇ ગયાની ફરીયાદ યોગેશ પરમારએ તળાજા પોલીસમાં નોંધાવતા પોલીસે ફાયરીંગ, આર્મ્સ એકટ સહિતની કલમોને આધીન ગુનો નોંધી તપાસ હાથ ધરેલ. જેમાં ગુનો આચરી આરોપીઓ ફરાર થઇ ગયા હતાં.

જેમાં અમદાવાદના વટવા વિસ્તારમાંથી ગુનાના કામ સબબ શૈલેષ ધાંધલ્યા, મુકેશ શીયાળ, ભદ્રેશ ઉર્ફે ભૂરો રમેશભાઇ ગૌસ્વામી (રે. વેળાવદર) અમદાવાદ પોલીસના હાથે ઝડપાઇ જવા પામેલ.

ભાવનગર એલ. સી.બી.ના પો. ઇ. મિશ્રાના જણાવ્યા પ્રમાણે ફાયરીંગના ગુનાની તપાસ પોતે ચલાવતા હોઇ અમદાવાદ પોલીસ પાસેથી આરોપીઓનો કબ્જો લઇ ભાવનગર લાવવામાં આવ્યા છે.

આરોપીઓની સઘન રીતે ગુનાના કામને લઇ પુછપરછ કરવામાં આવી રહી છે. વધુ તપાસના કામે તળાજા  કોર્ટ માં કાલે બુધવારે રજૂ કરી રીમાન્ડ સહિતની કાનુની કાર્યવાહી કરવામાં આવશે.

જીલ્લા પોલીસ વડાના સિધા જ માર્ગદર્શન નીચે કાર્યરત ક્રાઇમ બ્રાંચના પો. ઇ. મીશ્રાએ જણાવ્યું હતું કે તળાજામાં વધતી જતી ગુનાહીત પ્રવૃતીને કડક હાથે ડામી દેવા માટે એલસીબી ટીમ કાર્યરત થઇ છે. ખાનગી શાળાના શિક્ષકના અપહરણની ફરીયાદની તપાસ ફાયરીંગ પ્રકરણની તપાસ એલસીબી ટીમે જ સંભાળી હતી.  તાજેતરમાં થયેલ પૂર્વ નગર પ્રમુખની હત્યાના મામલે પણ એલસીબી ટીમ કાર્યરત થઇ હતી. લોકોમાં શાંતી સલામતીનો અહેસાસ થાય તે માટે આરોપીઓને જાહેરમાં લાવવામાં પણ આપી રહ્યા છે. આરોપીઓ ગુનો કરતા પહેલા સો વખત વિચાર કરે તેવી કામગીરી ફાયરીંગ પ્રકરણે પોલીસ કરશે.

છેલ્લા એકાદ દસકામાં શૈલેષ ધાંધલ્યા નામચીન કુખ્યાત શખ્સ બની ગયો. તેમના  વિરૂધ્ધમાં ૧૯ જેટલા ભારે ગુનાઓ નોંધાયેલા છે. પિસ્તોલ જેવા હથીયારો રાખવા, લૂંટ હત્યા, જેલ તોડવી, જેવા ગુનાઓમાં જેલમાં ગયેલ શૈલેષ ધાંધલ્યા આણી મંડળી હાલ જેલ બહાર છે. જેલ બહાર આવતા જ પોતાની ધાક ખાસ તળાજા પંથકમાં વર્તાતી હોય શૈલેષ ધાંધલ્યાએ તળાજામાં ઓફીસ ખોલી ખંડણી અને હવાલાઓ લેવાનું શરૂ કર્યુ. તેમાં તેને અમુક જ અંશે સફળતા મળી. પરંતુ શૈલેષની નિકટના સુત્રોમાં થતી ચર્ચા પ્રમાણે તળાજા વિસ્તારના જે સાગ્રીતો પોતાની ગેંગમાં સામેલ કર્યા તે શૈલેષના નામે ચરીખાવા માગતા હતાં. (પ-૧૬)

(11:57 am IST)