Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

માંગરોળના કાલેજમાં પાક વિમાના પૈસાના પ્રશ્ને કોળી મહિલાને જીવતી સળગાવવાનો પ્રયાસ

ચંદવાણા ગામના દિનેશ ઉકા રાઠોડ સામે ફરિયાદ

જુનાગઢ, તા. ર૯ : માંગરોળના કાલેજ ગામે પાક વિમાના પૈસાના પ્રશ્ને કોળી મહિલાને એક શખ્સે જીવતી સળગાવવાનો પ્રયાસ કરતા ભારે હલચલ મચી ગઇ હતી.

આ હિચકારા બનાવની વિગતો એવી છે કે, માંગોરળ તાલુકાના શીલ પાસેના કાલેજ ગામે રહેતા ભાવનાબેન ગોપાલ બાલસ (ઉ.વ.૩ર) નામની કોળી મહિલાને પાક વિમાની રકમ મંજુર થયેલ.

આથી ભાવનાબેને તેની સાથે રહેતા ચંદવાણા ગામના દિનેશ ઉકા રાઠોડને માંગરોળ ખાતેની બેંકમાંથી પાક વિમાના નાણા ઉપાડી લાવવા જણાવેલ, પરંતુ દિનેશે વરસાદને લઇ રસ્તા ખરાબ હોય પછી જઇશ તેમ જણાવેલ.

આ મુદે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી, જેમાં દિનેશ ઉશ્કેરાઇ જઇને મહિલાનું ગળુ દબાવી બાદમાં તેણી ઉપર કેરોસીન છાંટી દિવાસળી ચાંપી દીધી હતી.

આ પછી દિનેશ ઉકા નાસી ગયો હતો અને મહિલા ગંભીરપણે દાઝી જતાં પ્રથમ માંગરોળ અને બાદમાં વિશેષ સારવાર માટે જુનાગઢ ખાતે ખસેડવામાં આવેલ.

આ બનાવ અંગે પોલીસે મહિલાની ફરીયાદ પરથી દિનેશ ઉકા વિરૂદ્ધ હત્યાની કોશિષનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.(૮.૭)

(11:55 am IST)