Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

રાજ્યપાલશ્રી જૂનાગઢના પ્રવાસેઃ પરંતુ રોપ-વેની સફરથી વંચિત

પવનના કારણે ત્રીજા દિવસે પણ રોપ-વે બંધ

(વિનુ જોષી) જૂનાગઢ તા. ૨૯ : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે સવારથી જૂનાગઢના એક દિવસના પ્રવાસ પર છે પરંતુ આજે પણ પવનના કારણે રોપ-વે બંધ રહેતા તેઓ રોપ-વેની સફર માણી શકયા નહતા.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત સવારે તેના નિર્ધારીત પ્રવાસ કાર્યક્રમ મુજબ વિમાન માર્ગે કેશોદ એરપોર્ટ પર આવી પહોંચતા કલેકટર રચિત રાજ સહિતના અધિકારીઓએ રાજ્યપાલને આવકાર્યા હતા.

તેઓ કેશોદથી સીધા જ જૂનાગઢ આવી પહોંચ્યા હતા. રાજ્યપાલશ્રી તેમના જૂનાગઢ પ્રવાસની શરૂઆત રોપ-વેના માધ્યમથી ગિરનાર પર બિરાજમાનમાં અંબાના દર્શનથી કરવાના હતા. પરંતુ ગિરનાર પર્વત પર આજે પણ પવન ફુંકાતા રોપ-વે બંધ હોવાથી રાજ્યપાલશ્રી રોપ-વેની સફરથી વંચિત રહ્યા હતા.

ગિરનાર રોપ-વેની ઉષા બ્રેકો કંપનીના રિજીયોનલ હેડ દિપક કપલીએ અકિલા સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવેલ આજે સતત ત્રીજા દિવસે પણ ગિરનાર પર્વત પર કાતિલ પવન ફુંકાતો હોવાથી રોપ-વે બંધ રહેલ છે. રાજ્યપાલશ્રીની રોપ-વે સફર માટે તમામ તૈયારીઓ કરવામાં આવી હતી પરંતુ પવનના કારણે રોપ-વે બંધ હોવાથી તેઓની રોપ-વે સફર મોકુફ રાખવી પડી છે.

દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વગેરેએ બપોરના જૂનાગઢના ઉપરકોટની મુલાકાત લીધી હતી. અહીં ચાલતા નવીનીકરણના કામોથી માહિતીગાર થયા હતા.

બપોરના ૨.૩૦ વાગ્યે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની મુલાકાત લઇ અહિંની પ્રવૃત્તિનું નિરીક્ષણ કરશે ત્યારબાદ બપોરે ૩ કલાકે કૃષિ યુનિ. ઓડીટોરીયમ ખાતે સુભાષ પાલેકર કૃષિ આયોજીત કાર્યક્રમમાં અને બાદમાં કલેકટર કચેરી ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આયોજીત વીડિયો કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે.

(1:12 pm IST)