Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

તંત્રની લાલ આંખ :જિલ્લાના ડેપોમાં ખોટી હાજરી પૂરી કામ ન કરતા પગાર ખાતા ST યુનિયનના આગેવાનો સામે તવાઇ

વિભાગીય નિયામક દ્વારા જિલ્લાના ૪ ડેપોના યુનિયન આગેવાનોની હાજરીના અહેવાલોના આદેશો કરાયા, STના ત્રણેય યુનિયનના ૨૫૦થી વધુ આગેવાન સામે તંત્રની લાલ આંખ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૯ : રાજકોટ એસટી વિભાગમાં યુનિયનના આગેવાનો હાજર નહીં રહીને એક સાથે બે ત્રણ દિવસની હાજરી પૂરતા હોવાની સાથે અનેક રહસ્યનો ફણગો ફૂટ્યો હતો. ત્યારે તેના પડઘા સુરેન્દ્રનગર જિલ્લામાં પડતા રાજકોટ વિભાગીય નિયામકે ત્રણેય યુનિયનના આગેવાનોના ફરજ પરના અહેવાલો આપવાના આદેશો કરતા ચકચાર ફેલાઇ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષોથી ખોટના ખાડા નીચે એસટી તંત્ર દબાયેલુ છે. ત્યારે તાજેતરમાં જ રાજકોટ એસટી વિભાગમાં યૂનિયનના આગેવાનો ફરજ પર હાજર નહીં રહીને એક સાથે બે-ત્રણ દિવસની હાજરી એક સાથે પૂરતા હોવાની સાથે કેટલાક તો ખોટી હાજરી સાથે પગાર ખાતા હોવાનું બહાર આવતા ચકચાર ફેલાઇ હતી.જેમાં સમગ્ર એસટી તંત્રના ત્રણેય યુનિયનના ૨૫૦થી વધુ આગેવાનો સામે લાલ આંખ કરવામાં આવી છે. ત્યારે આ ઘટનાના સુરેન્દ્રનગર જિલ્લામાં પડઘા પડતા દોડધામ મચી છે. સુરેન્દ્રનગર જિલ્લાના સુરેન્દ્રનગર, ચોટીલા, ધ્રાંગધ્રા તેમજ લીંબડી ડેપોમાં મજૂર મહાજન (એસટી વર્કર ફેડરેશન), ભારતીય મઝદૂર સંઘ તેમજ કર્મચારી મહામંડળ યુનિયનના અંદાજે ૪૮થી વધુ આગેવાનો ફરજ બજાવી રહ્યાં છે. ત્યારે જિલ્લાના ડેપોમાં પણ કેટલાક કર્મીઓ તેમજ યુનિયનના આગેવાનો નોકરીમાં નિયમિત રીતે અનિયમિત હોવાની બૂમરાણો ઉઠી છે.આ બાબતની ગંભીર નોંધ પણ રાજકોટ એસટી વિભાગીય નિયામક કચેરીમાં લેવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. કારણ કે એસટી તંત્રના તમામ વિભાગોના ત્રણેય યુનિયનના અંદાજે ૨૫૦થી વધુ આગેવાનો કામો નહીં કરીને માત્ર પગાર લઇને એસટી તંત્રને લાખોનું નુકસાન કરતા હોવાનું ધ્યાને આવ્યુ છે.આ અંગે રાજકોટ વિભાગીય નિયામક જે.બી.કલોત્રાએ જણાવ્યું કે, રાજકોટ ડિવિઝન નીચે આવતા તમામ ડેપોમાં આ બાબતની ગંભીરતા લેવામાં આવી છે. બીજી તરફ આધારભૂત સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર ડેપોના પણ કેટલાક આગેવાનો કામ નહીં કરીને પગાર લેતા હોવાનું બહાર આવતા ચકચાર ફેલાઇ છે.

પરિણામે સુરેન્દ્રનગર જિલ્લાના ડેપોના મજૂર મહાજન, બી.એમ.એસ. તેમજ કર્મચારી મંડળ યુનિયન અધિકારીના હાજરીનો ડેટા સહિતના અહેવાલોની સૂચના આપવામાં આવી છે. અને સાચી હક્કિત બહાર આવશે તેની સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. 

(11:36 am IST)