Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

જામનગરના હરિદ્રાગણપતિ મંદિર પરિસરમાં નિર્મિત સંકટ મોચન હનુમાનજી મંદિરનો ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 1લી જુલાઈ થી 3જી જુલાઈ સુધી ઉજવાશે: કળશ સ્થાપન, ધ્વજારોહણ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન

રાજ્ય સરકારના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ઉપસ્થિત રહી પ્રતિષ્ઠિત મૂર્તિ પર ગંગાજળ અભિષેક કરશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૯

 જામનગર-કાલાવડ રોડ પર વીજરખી ગામ પાસે આવેલા શ્રી હરિદ્રાગણપતિ મંદિર પરિસરમાં નિર્માણ પામેલા શ્રી સંકટ મોચન હનુમાનજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી તારીખ 1લી જુલાઈ (અષાઢી બીજ) થી 3જી જુલાઈ સુધી રંગેચંગે ઉજવવામાં આવશે. શ્રી હરિદ્રાગણપતિ મંદિરના સંસ્થાપક શ્રી નરશીભાઈ હેમતભાઈ બગડીયા પરિવારના પૂજ્ય ગુરુદેવની અંતઃપ્રેરણા તથા તેઓની અંતરની ઈચ્છાને માન આપીને શ્રી હરિદ્રાગણપતિ મંદિર પરિસરમાં જ શિખરબદ્ધ શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિરનું નિર્માણ કરાયું છે ત્યારે આ મંદિરનો ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સર્વે ભક્તજનોને પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આચાર્ય પદે વિનોદરાય ભટ્ટ બિરાજશે તથા યજમાન પદે સંધ્યાબેન તથા ઉમાકાંત શાહ-મુંબઈ રહેશે. આ મહોત્સવમાં મુખ્ય પ્રાણ પ્રતિષ્ઠા વિધિ 3 જુલાઈ ને રવિવારના રોજ બપોરે 11-30 કલાકે અભિજીત મુહૂર્તમાં યોજાશે. જેમાં રાજ્યના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ઉપસ્થિત રહીને પ્રતિષ્ઠિત મૂર્તિ પર ગંગાજળ અભિષેક કરશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના મુખ્ય મહેમાન પદે પ.પૂ. સેવા મૂર્તિ જમનાદાસ બાપા (શ્રી હરિહર અન્નક્ષેત્ર-મોરબી) ઉપસ્થિત રહી આશિર્વચન આપશે. 

આ ઉપરાંત વિશેષ ઉપસ્થિતિમાં સર્વાંગ સેવાધારી વસ્તાભાઈ કેશવાલા (મેનેજિંગ ટ્રસ્ટી, સમર્પણ હોસ્પિટલ) રહેશે અને ભંડારામાં સંપૂર્ણ સહયોગી રહેશે. કળશ પ્રતિષ્ઠા-શિખર પૂજન જે.પી.કોટડીયા (નિવૃત ડીવાયએસપી) દ્વારા કરવામાં આવશે.

શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ત્રણેય દિવસ હોમ હવન, પાઠ, મૂર્તિઓની શોભાયાત્રા, જલયાત્રા, આરતી, મૂર્તિ પ્રતિષ્ઠા, કળશ સ્થાપન અને ધ્વજારોહણ સહિતના ધાર્મિક કાર્યક્રમોની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે. 

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારનાર ભક્તજનો માટે ત્રણેય દિવસ સવાર-બપોર-સાંજ એમ ત્રણેય ટાઈમ ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિરના નિર્માણમાં અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અનેક દાતાશ્રીઓનો પણ સહયોગ મળ્યો છે. જેઓના નામની તકતી પણ મૂકવામાં આવી છે.

(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

 

(4:30 pm IST)