Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

પરબધામમાં અષાઢી બીજ માટે ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત

પૂ. કરશનદાસબાપુના સાનિધ્‍યમાં યોજાનાર મેળામાં ભાવિકો ઉમટશે : ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ કાફલો તૈનાત

જૂનાગઢ : પરબધામ ખાતે અષાઢી બીજની તૈયારી તથા પોલીસ કાફલો નજરે પડે છે. (તસ્‍વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૨૯ : કાલથી ભેસાણ નજીક પરબધામમાં અષાઢી બીજ મહોત્‍સવના ઉજવાશે. બે દિવસ સુધી હૈયેહૈયુ દળાય તેટલી માનવમેદની ઉમટશે. શુક્રવારે બીજના દિવસે ધ્‍વજારોહણ પૂજન, અર્ચન, યજ્ઞ સહિતના ત્રિવિધ કાર્યક્રમો પૂ. કરશનદાસ બાપુના સાનિધ્‍યમાં આયોજન. પોલીસ તંત્ર દ્વારા ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મીઓ તૈનાત છે.

તાજેતરમાં ભેસાણ તાલુકાના પરબવાવડી પરબધામ ખાતે અષાઢી બીજનો મેળો યોજાનાર હોઈ, ધર્મપ્રેમી ભક્‍તોને કોઈ અગવડતા ના પડે તે માટે જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ સમગ્ર વિસ્‍તારમાં જડબેસલાક બંદોબસ્‍ત ગોઠવવામાં આવેલ છે.

જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી ના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, ભેસાણ પીએસઆઈ કે.એમ.ગઢવી દ્વારા ૦૧ ડીવાયએસપી, ૦૩ પીઆઈ, ૧૦ પીએસઆઈ, ૨૫૮ પોલીસ, ૨૦૭ જીઆરડી, ૧૦૦ હોમ ગાર્ડ, એક પ્‍લાટૂન એસઆરપી, સહિત ૬૦૦ પોલીસ માણસો તથા પોલીસ અધિકારીઓનો બંદોબસ્‍ત ગોઠવવામાં આવેલ છે. ઉપરાંત, મેળામાં ખિસ્‍સા કાતરું તેમજ છેડતી કરતા લુખ્‍ખા તત્‍વોને પકડી પાડવા માટે ક્રાઇમ બ્રાન્‍ચ, સ્‍પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સ્‍થાનિક ડી સ્‍ટાફના જવાનોને ખાસ ખાનગી કપડામાં સિવિલ ડ્રેસમાં તૈનાત કરવામાં આવેલ છે. સમગ્ર બંદોબસ્‍તને મંદિર પરિસર અને મેળા ગ્રાઉન્‍ડ બંદોબસ્‍ત એમ બે ભાગમાં વહેંચવામાં આવેલ છે. બહારથી આવતા ટ્રાફિકને પહોંચી વળવા પોલીસ અધિકારીઓ દ્વારા તમામ રોડ ઉપર પેટ્રોલિંગની ખાસ વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે તેમજ દરેક રોડ ઉપર રાવટીઓ નાખી રાવટીઓ માં પણ પોલીસ બંદોબસ્‍ત રાખવામાં આવેલ છે.

આમ, પરબધામ ખાતે અષાઢી મેળામાં પોલીસ દ્વારા સઘન બંદોબસ્‍ત અને પેટ્રોલિંગ રાખવામાં આવેલ છે.

પરબધામનાં મહંત શ્રી કરશનદાસ બાપુ ગુરૂ સેવાદાસ બાપુના સાનિધ્‍યમાં યોજાતા મહામહોત્‍સવને તા.૧ જુલાઈના રોજ સવારે ૭.૩૦ કલાકે પૂ.બાપુના હસ્‍તે ધ્‍વજારોહણ બાદ ખૂલ્લો મુકવામાં આવશે, જોકે માનવ મહેરામણ તો તા.૩૦ જૂનથી જ શરૂ થઈ જશે. સવારે પૂજન, અર્ચન, યજ્ઞ સહિતના ત્રિવિધ કાર્યક્રમો યોજાશે.

આવનાર ભાવિકોને કોઈપણ જાતની મુશ્‍કેલી પડે નહીં તે માટે આશરે ૧૦ હજારથી વધુ સ્‍વયંસેવકો બે દિવસ સુધી સેવા આપશે. સંતો માટે રહેવાની પણ અલગ વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે મહોત્‍સવની સાથે ધ્‍વજારોહણ યોગ્‍ય મહાઆરતી સંતવાણી, લોકડાયરો સહિતના કાર્યક્રમો પણ યોજાશે. આમ, પરબધામનો મેળો ભજન, ભોજન અને ભક્‍તિના ત્રિવેણી સંગમસમો બની રહેશે. હાલ દરરોજ ૧ હજારથી વધુ સ્‍વયંસેવકો સેવા આપી રહ્યા છે અને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.

(2:08 pm IST)