Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

મોરબી પાસે રાજકોટના પ્રૌઢની જમીનમાં ર શખ્સોએ ખોટો દસ્તાવેજો કરી પચાવી પાડી

વલમજી કાલરીયા તથા પરેશ પાંચોટીયા સામે લેન્ડ ગ્રેબીંગના નવા કાયદા હેઠળ ગુન્હો નોંધાયો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ર૯ : મોરબીમાં લેન્ડગ્રેબિંગનો કિસ્સો સામે આવ્યો છે. મૂળ ઉંચીમાંડલ ગામના વતની અને હાલ રાજકોટ ખાતે રહેતા ૬૭ વર્ષીય વિરજીભાઇ રામજીભાઇ કાલરીયાની જમીન પર બનાવટી દસ્તાવેજો કરતા પ્રૌઢે ૨ ઈસમો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં લેન્ડગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ દાખલ કરી છે.

ફરિયાદી વિરજીભાઇ રામજીભાઇ કાલરીયાએ જણાવ્યું હતું કે, આજથી આશરે દોઢેક વર્ષ પહેલા આરોપી વલમજીભાઇ ભુદરભાઇ કાલરીયા અને પરેશભાઇ ધનજીભાઇ પાચોટીયાએ વિરજીભાઇની માલીકીની ઉંચી માંડલ ગામના સીમ સર્વે નંબર ૧૨૬/૧ પૈકી-૧ ની જમીનમાંથી આશરે ૧૫૫૦ ચો.મી.ની જમીન પચાવી પાડવાના આશયથી આરોપીઓએ વિરજીભાઇ તથા સાહેદોની જાણ બહાર બનાવટી (ખોટુ) સમંતીપત્ર બનાવી નગરનિયોજકમાં લે-આઉટ પ્લાન મંજુર કરાવી જમીનનો વપરાશી હકક દર્શાવામાં બનાવટી દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો. જેને પગલે  વિરજીભાઇએ સમગ્ર મામલે બન્ને આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.આ મુદ્દે  મોરબી તાલુકા પોલીસે ઇ.પી.કો. કલમ-૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૧૪ તથા ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદો ૨૦૨૦ ની કલમ ૪(૧)(૩), ૫(ગ) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(4:37 pm IST)