Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

વિદ્યાર્થીઓના પ્રશ્નો હલ ન થતા હોવાથી બિન અનામત વર્ગના નિગમ અને આયોગને તાળા મારી દયો

ભુપેન્દ્રભાઇ પટેલને પત્ર પાઠવીને 'પાસ' ના દિનેશ બાંભણીયાની રજૂઆત

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ર૮ :.. પાટીદાર અનામત આંદોલન સમિતિ 'પાસ' ના દિનેશ બાંભણીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને પત્ર પાઠવીને બિન અનામત વર્ગના નિગમ અને આયોગને બંધ કરવા માંગ કરી છે.

દિનેશભાઇ બાંભણીયાએ વધુમાં જણાવ્યું છે કે, ગુજરાત સરકાર દ્વારા પાટીદાર આંદોલનના પ્રયાસોથી બનાવવામાં આવેલ બિનઅનામત વર્ગના આયોગ અને નિગમમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ માટે કોઇપણ પ્રકારની વ્યવસ્થા નથી. વિદ્યાર્થીઓ વારંવાર ધકકા ખાઇ રહ્યા છે. ટેલિફોન પણ ઉપડતા નથી. કોઇપણ પ્રકારના જવાબ સમયસર મળતા નથી. એક વર્ષથી કરેલી અરજીઓનું હજુ પણ કોઇપણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી. ઘણી બધી રજૂઆતો પત્રો દ્વારા અને રૃબરૃ પણ કરવામાં આવી છે, તેમ છતાં હજુ કોઇ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી.

ઘણા વિદ્યાર્થીઓ નિગમમાં અરજીઓ કરી ને લોન અથવા સહાયની અપેક્ષા એ પોતાના અભ્યાસની શરૃઆત કરે છે, પછી સમયસર પૈસા ના મળતા ભ્રષ્ટાચાર અને દેવામાં આવી જાય છે. જેથી ઘણા પરિવારો હેરાન-પરેશાન થઇ રહ્યા છે.

જેથી આ યોજનાનો ખરેખર લાભ ના આપવાનો હોય તો બિનઅનામત વર્ગના આયોગ અને નિગમ ને બંધ કરી દેવા જોઇએ જેથી વિદ્યાર્થીઓ પોતાની બીજી વ્યવસ્થા અથવા તૈયારીમાં રહે.

તાત્કાલીક આ બાબતે નિરાકરણ કરી પ્રશ્નોનું સોલ્યુશન કરવામાં આવે અને યોજના લોકોને મળી રહે અથવા તો આ મૃતપાય સ્થિતિની યોજના બંધ કરી દેવામાં આવે. તેવી માંગણી દિનેશભાઇ બાંભણીયાએ કરી છે.

(2:01 pm IST)