Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

પોરબંદરમા સ્‍પ્‍લીટ ફલાઇ ઓવરબ્રીજની જર્જરીત હાલત

ઓવરબ્રીજના રસ્‍તાના દરેક સાંધાઓમાં લોખંડના એન્‍ગલ ઉપર ડામર નીકળી ગયો

પોરબંદર, તા.૨૮: બે માળના સ્‍પ્‍લીટ ફ્‌લાય ઓવરબ્રીજની હાલત જર્જરીત બની ગઈ છે ત્‍થા અનેક જગ્‍યાએ તેના સાંધા કમરના મણકાની ગાદીને નુકશાન પહોચાડે તેટલી હદે જર્જરિત બની ગયા છતાં તંત્ર તેના સમારકામ માટે જાગતુ નથી.

કોંગ્રેસના સિનીયર આગેવાન રામદેભાઇ મોઢવાડિયાએ વહીવટીતંત્રને કરેલી રજૂઆતમાં જણાવ્‍યું છે કે, કોંગ્રેસના શાસનકાળ દરમ્‍યાન રાજ્‍યનો સૌપ્રથમ બે માળનો સ્‍પ્‍લીટફ્‌લાય ઓવરબ્રીજ બનાવવામાં આવ્‍યો હતો. આ ઓવરબ્રીજ છેલ્લા કેટલાક સમયથી જર્જરીત હાલતમાં ફેરવાઈ રહ્યો છે. તેમાં મોટાભાગના સાંધા બિસ્‍માર બની ગયા હોવાથી વાહન ચાલકો જ્‍યારે અહીથી પસાર થાય છે ત્‍યારે મણકાની ગાદી ખસી જાય તેટલી હદે થડકા લાગે છે.

ઓવર બ્રીજના રસ્‍તાના દરેક સાંધાઓમાં લોખંડના એંગલ પરનો ડામર નીકળી ગયો છે જેના કારણે વારંવાર થડકા ખાઈને ટુ-વ્‍હીલર ચાલકો હેરાન-પરેશાન બની જાય છે. એટલું જ નહી પરંતુ આ ઓવરબ્રીજમાં સાંધા પાસેની દીવાલ પણ જર્જરીત બની ગઈ છે. અને તેમાં મોટી તિરાડો નજરે ચડી રહી છે તેથી કોઈ ગંભીર અકસ્‍માત સર્જાય તો તેની જવાબદારી કોની? તેવો સવાલ  છે?

આ ઓવરબ્રીજની સ્‍થિતિ દિવસે-દિવસે જોખમી બનતી જાય છે. તેમ છતાં પણ સરકાર ગંભીર બની નથી. નેશનલ હાઈવે ઓથોરીટી લોકો પાસે તગડો ટોલ ટેક્‍સ વસુલે છે પરંતુ સુવિધાઓ આપવામાં નિષ્‍ફળ ગયેલ છે તેમ રજૂઆતમાં જણાવેલ છે.

(1:30 pm IST)