Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત કચ્‍છ જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન

વિવિધ ૧૮ વિભાગોની યોજનાના પ્રચાર-પ્રસાર થકી રાજ્‍યની જનતાની સામાજિક અને આર્થિક પ્રગતિ ઉજાગર કરાશે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૯: આઝાદી કા અમૃત મહોત્‍સવની ઉજવણી અંતર્ગત રાજયમાં તારીખ ૫મી જુલાઈ થી ૧૯મી જુલાઇ ૨૦૨૨ સુધી વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાનાર છે. વંદે ગુજરાત વિકાસ યાત્રાનો હેતુ આઝાદી કા અમૃત મહોત્‍સવની પ્રતિકાત્‍મક ઉજવણી છે. વિવિધ ૧૮ વિભાગોની યોજનાકીય કામગીરીના યોગ્‍ય પ્રચાર-પ્રસાર થકી રાજયની જનતાની સામાજિક અને આર્થિક પ્રગતિ ઉજાગર કરવામાં આવશે. તેમજ કલ્‍યાણકારી યોજનાઓ અંતર્ગત સહાય, વિકાસ કાર્યોનું લોકાર્પણ અને નવા કામોની જાહેરાત કરવાનો છે. કચ્‍છ જિલ્લામાં પણ જિલ્લા કલેક્‍ટરશ્રી પ્રવિણા ડી.કે. ના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્‍ય વર્માની રાહબરીમાં તેમજ વહીવટીતંત્ર દ્વારા વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ કાર્યક્રમના જીલ્લા પંચાયતના નોડલ ઓફિસરશ્રી નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.બી. મકવાણાની નિમણૂંક કરવામાં આવી છે. વહીવટીતંત્રની દેખરેખ હેઠળ સમગ્ર જિલ્લામાં લાયઝન અધિકારીઓ અને સંબંધિત અધિકારીઓ દ્વારા સમગ્ર કાર્યક્રમ યોજાનાર છે. વંદે ગુજરાત વિકાસ યાત્રાના દિવસે સવારે પ્રભાતફેરી,યોગાભ્‍યાસ,વૃક્ષારોપણ કરાશે તેમજ બપોરે ૧થી ૪ વાગ્‍યા દરમિયાન આયુષ્‍યમાન ભારત પી.એમ.જે. એ.વાય. અંતર્ગત કાર્ડ વિતરણ કેમ્‍પ યોજાશે. આયુષ્‍યમાન ભારત દ્વારા પી.એમ.જે. એ.વાય. અપડેશન કરાશે. વંદે ગુજરાત અંતર્ગત આરોગ્‍ય કેમ્‍પ યોજાશે.

 જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા દરમ્‍યાન વિવિધ વિકાસાત્‍મક કાર્યોનું લોકાર્પણ, નવા મંજુર થયેલા કામોની જાહેરાત, વિવિધ કલ્‍યાણકારી યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને સહાય વિતરણ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે. તેમજ સરકારશ્રીની સેવા થકી ગુજરાતની ૨૦ વર્ષની વિકાસ યાત્રા દર્શાવતા ત્રણ રથ જિલ્લાભરના વિવિધ શહેરી અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ફરશે. આ ઉપરાંત પ્રભાત ફેરી, યોગ કાર્યક્રમો, કીટ વિતરણ, પોષણલક્ષી વાનગી સ્‍પર્ધા, બાળકોના વિકાસ વૃદ્ધિ અંગે તપાસ, શાળાઓમાં ચિત્ર અને નિબંધ સ્‍પર્ધા, વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ, આયુષ્‍યમાન ભારત પી.એમ.જે.એ.વાય. અંતર્ગત કાર્ડ વિતરણ કેમ્‍પ, નિરામય ગુજરાત અંતર્ગત આરોગ્‍ય કેમ્‍પ, કેવાયસી દ્વારા અપડેટેશન, વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભનું વિતરણ જેવા અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. દરેક ગામમાં જયાં રથનું પ્રસ્‍થાન થવાનું છે ત્‍યાં સવારે પ્રભાત ફેરી ,સફાઈ ઝુંબેશ અને વૃક્ષારોપણના કાર્યક્રમો ઉપરાંત પાણીનો યોગ્‍ય ઉપયોગ અને પાણી બચાવવા અંગેની સમજ પશુ સારવાર કેમ્‍પ, આંગણવાડીઓમાં પૂરક આહાર, વાનગી નિર્દેશન, પશુઓમાં રસીકરણ સહિતના કાર્યક્રમો પણ થશે. આમ આ વિકાસ યાત્રા જનસેવાની યાત્રા બની રહેશે.

જિલ્લા કક્ષાએથી રથનું પ્રસ્‍થાન તા.૫ જુલાઇના રોજ કરવામાં આવશે. જુદા જુદા બે ગામોમાં રોજ સવારે અને સાંજે વિકાસલક્ષી કાર્યક્રમ યોજાશે. તા.૧૯ જુલાઈ સુધી આ કાર્યક્રમો યોજાશે. આંગણવાડીઓમાં વાનગી પ્રદર્શન અને માતૃશક્‍તિ યોજનાના લાભો અપાશે. સવારે પ્રભાત ફેરી, વૃક્ષારોપણ તેમજ શાળા-આંગણવાડીઓમાં પણ ચિત્ર નિબંધ સ્‍પર્ધા, ગામમાં સફાઈ અભિયાન ઉપરાંત આરોગ્‍ય તપાસણી અને આરોગ્‍યની કલ્‍યાણકારી યોજનાઓનો લાભ લાભાર્થીઓને મળે તે માટે ઝુંબેશ હાથ ધરાશે. વંદે ગુજરાત વિકાસ યાત્રામાં લોકો જોડાય તે માટે ઉપરાંત તેમને મળવાપાત્ર લાભો મળી રહે તે માટે અધિકારીઓ કાર્યક્રમ પૂર્વે ગામોની મુલાકાત લેશે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત અનેᅠ પંચાયતના જન પ્રતિનિધિઓ ,સરપંચો, સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓના પ્રતિનિધિઓ, અગ્રણીઓ જોડાય તે માટે આયોજન કરવામાં આવ્‍યું છે.

(11:59 am IST)