Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

ભુજના ઝુરા ગામે ઢેલનો શિકાર: ગામલોકોએ પડકારતાં શિકારીઓ નાસી છૂટયા

કચ્છમાં શિકારી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી જરૂરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૯

કચ્છમાં વન્ય પ્રાણીઓના શિકારના બનાવો વધી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા આવી શિકારી પ્રવૃતિ કરનારા માથાભારે શખ્સો સામે કડક ધક બેસાડતા પગલાં ભરવા જરૂરી છે  ભુજ તાલુકાના ઝુરા કેમ્પ ગામના સીમાડે ગત રાત્રે અજાણ્યા શિકારીઓએ ઢેલનો શિકાર કર્યો હોવાની ઘટનાએ ચકચાર સર્જી છે. રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કર્યો હોવાનો બનાવ બહાર આવ્યા બાદ વનતંત્ર દોડતું થયું છે. આ ઘટના અંગે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતાં વન તંત્રની ટૂકડી સ્થળ પર ધસી ગઈ હતી. ગ્રામજનોને જોઈ જતાં શિકારીઓ સીમાડામાં મોરના મૃતદેહ અને ચાકુને સ્થળ પર મૂકીને નાસી ગયાં હતા. જાગૃત ગ્રામજનોના જણાવ્યા મુજબ સવારે તેમણે સ્થળ નજીક એક મોટર સાયકલ પણ જોઈ હતી. જે પાછળથી ત્યાંથી ગાયબ થઈ ગઈ હતી. બનાવ અંગે ભુજ પશ્ચિમ રેન્જના આરએફઓ વિજયસિંહ ઝાલા, એસીએફ પ્રજાપતિ સહિતના અધિકારીઓએ ગહન તપાસ હાથ ધરી છે. વિજ્યસિંહ ઝાલાએ જણાવ્યું કે મોરની હત્યામાં બે ત્રણ શખ્સો સામેલ હોવાની અમને બાતમી મળી છે, હાલ તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, મોરને રાષ્ટ્રીય પંખીનો દરજ્જો મળેલો છે. ફોરેસ્ટ એક્ટ મુજબ મોર સંરક્ષિત પક્ષી છે અને તેનો શિકાર કરવા બદલ પાંચ વર્ષ સુધીની કેદ અને પચાસ હજાર સુધીના દંડની જોગવાઈ છે.

(10:33 am IST)