Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

કરછ જેવા સંવેદનશીલ વિસ્તારમાં નાગરિક સરંક્ષણની ભૂમિકા મહત્વની

ભુજમાં અદાણી સ્કીલ ડેવલોપમેન્ટ અને સિવિલ ડિફેન્સ વિભાગ દ્વારા તાલીમ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૯

    ભુજ ખાતે અદાણી સ્કિલ ડેવલપમેન્ટ અને ભુજ નાગરિક સંરક્ષણ વિભાગના સયુંકત ઉપક્રમે સક્ષમના તાલીમાર્થીઓને નાગરિક સંરક્ષણની પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમના ઉદઘાટન ટાંકણે કચ્છ જેવા સીમાવર્તી અને સંવેદનશીલ વિસ્તારમાં નાગરિક સરક્ષણની ભૂમિકા મહત્વની હોવાનો સૂર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

    અદાણી મેડિકલ કોલેજના લેક્ચર હોલમાં આયોજિત આ કાર્યક્રમમાં સિવિલ ડિફેન્સના તાલીમ અધિકારી એ.સી.ગાંધીએ નાગરિક સંરક્ષણનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, માનવ સર્જિત કે કુદરતી આપત્તિમાં માનવજીવનનું રક્ષણ કરવાની કપરી ફરજ બજાવવાની હોય છે. તેમણે સિવિલ ડિફેન્સની પૂર્વભૂમિકા આપી હતી.

    જિલ્લા રૂરલ ડેવલપમેન્ટના ડી.એલ.એમ ભાવિન પટેલે કોઈપણ પ્રકારની આપત્તિમાં પોતાના બચાવથી લઈને નાગરિકોનો બચાવ એ સિવિલ ડિફેન્સનો મુખ્ય હેતુ હોવાનું જણાવી ઉમેર્યું કે, આવા સમયગાળામાં ઉદ્યોગ ધંધા ધબકતા રહે એ પણ જોવાનું કામ આ વિભાગનું છે.

    સક્ષમના ક્લસ્ટર હેડ સાગર કોટકે અદાણી સ્કિલ ડેવ. સેન્ટરની કામગીરી તથા નર્સિંગ આસિસ્ટન્ટ કોર્સમાં આ તાલીમ અભ્યાસમાં કઇ રીતે મદદરૂપ થઈ શકે તેની માહિતી આપી હતી. મહેમાનોનું સ્વાગત સક્ષમ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન અદાણી સ્કીલ ડેવ.ના ફેકલ્ટી ડૉ. પૂર્વી ગોસ્વામીએ કર્યું હતું. આ પ્રસંગે નાગરિક સંરક્ષણ વિભાગના માનદ વોર્ડન સભ્યો તથા સ્ટાફ મેમ્બર સાથે જોડાયા હતા.

(10:00 am IST)