Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

ભાજપમાં હક્કદારોના બદલે શુભેચ્છકોને લ્હાણી! કાર્યકરો સમસમે છેઃ જૂનાગઢ માટે સાંજે ફરી પાર્લામેન્ટરી બોર્ડ

રમેશ ધડુક, જુગલજી ઠાકર બાદ હવે ધીરૂભાઇ ગોહેલનું નામ સામે આવતા ચર્ચા જાગી : ભ્રષ્ટાચારની છાપ ભુસવાનો ભાજપ માટે મોટો પડકારઃ કોંગ્રેસને સારી તક દેખાતા ટીકીટ માટે ૪૦૦ થી વધુ દાવેદારો

રાજકોટ, તા. ૨૯ :. જૂનાગઢ મહાનગરપાલિકાના ૧૫ વોર્ડની ૬૦ બેઠકો માટે ૨૧ જુલાઈએ યોજાનાર ચૂંટણીના મુરતીયા પસંદગી માટે બીજી વખત ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક આજે સાંજે ગાંધીનગરમાં મળનાર છે. ભાજપમાં કોંગ્રેસમાંથી આવેલાને તાબડતોબ મહત્વના પદ આપવા ઉપરાંત ભાજપના હક્કદાર કાર્યકરોને બદલે પ્રસંગોપાત ઉપયોગી થતા શુભેચ્છક ગણાતા આગેવાનોને આગળ કરવાની પદ્ધતિ આગળ વધતા કાર્યકરોમાં આશ્ચર્ય સાથે કચવાટ ફેલાયાની માહિતી બહાર આવી રહી છે. લોકસભાની ચૂંટણીમાં રમેશ ધડુક અને રાજ્યસભાની ચૂંટણીમાં જુગલજી ઠાકોરને ટીકીટ અપાયાનુ ઉદાહરણ તાજુ છે ત્યાં જૂનાગઢ માટે બિલ્ડર ધીરૂભાઈ ગોહેલનું નામ મેયર પદ માટે નક્કી થયાનું સામે આવતા કાર્યકરોમાં જુદી જુદી પ્રકારની ચર્ચા થઈ રહી છે.

ભાજપમાં વિવિધ જવાબદારીઓ સંભાળી વર્ષોથી જાત ઘસતા રહેલ કાર્યકરોને બદલે શુભેચ્છક પ્રકારના ગણાતા આગેવાનોને મોટા પદની લ્હાણી કરવાની પદ્ધતિ સામે કાર્યકરોની નારાજગી છે પરંતુ સમય સંજોગો અનુસાર અસંતોષની સ્પ્રીંગ દબાયેલી છે. ભાજપ પાસે મેયર પદ સંભાળી શકે તેવા બક્ષીપંચના શ્રેણીબદ્ધ કાર્યકરો હોવા છતા ધીરૂભાઈને વિદેશથી તેડાવીને મેયર પદના ઉમેદવાર બનાવવાનુ  કારણ શું ? તેવોે સવાલ કાર્યકરોમાં ઉઠી રહ્યો છે. જો કે પાર્ટીએ હજુ ધીરૂભાઈના નામની સત્તાવાર જાહેરાત કરી નથી. 

જૂનાગઢમાં છેલ્લા પાંચ વર્ષથી ભાજપનું શાસન છે. પ્રજાના પ્રશ્નો અને ભ્રષ્ટાચાર બાબતે શાસનની ખૂબ બદનામી થઈ છે. મુખ્યમંત્રી કક્ષાના આગેવાનોએ એકથી વધુ વખત આ બાબતે તીખી ટકોર કરી છે. ભાજપના બદનામ શાસનની છાપ ભૂંસવાનો પાર્ટી માટે મોટો પડકાર છે. માથા બદલીને ભાજપ છાપ ભૂંસવા માગે છે. ૩ દિવસ પહેલા પાર્લામેન્ટરી બોર્ડમાં સ્થાનિક કક્ષાએથી રજૂ થયેલા નામોને પાર્લામેન્ટરી બોર્ડે નામંજુર કરી નવેસરથી કસરત કરી આજે ગાંધીનગર આવવા જણાવ્યુ છે.

કોંગ્રેસને આ વખતે શાસનમાં આવવાની સારી તક દેખાતા ત્યાં સેન્સ વખતે ૪૦૦થી વધુ દાવેદારોનો રાફડો ફાટયો છે. જૂનાગઢમાં કોંગ્રેસનું સંગઠન સંતોષકારક નથી પરંતુ ભાજપ સામેની લોકોની કથીત નારાજગીનો લાભ મળવાનુ ગણિત છે. કોંગ્રેસના આગેવાનો ૨૦૦૦ના વર્ષની રાજકોટ કોર્પોરેશનની ચૂંટણીનું ઉદાહરણ આપી રહ્યા છે. તે વખતે રાજકોટમાં બહુ ગાજેલા બોર કૌભાંડે ભાજપના સુપડા સાફ કરી નાખેલ. કોંગ્રેસને કલ્પનાતીત બહુમતી મળી હતી. કોંગ્રેસ વતી ચૂંટણી લડવા લાઈન લાગી છે તેને કોંગ્રેસ સારી નિશાની ગણાવે છે.

(1:19 pm IST)