Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

લોધીકાના અનીડાવાછડાના દલિત યુવાનની હત્યામાં નામીચા ઈશાકના આશ્રય સ્થાનો પર પોલીસના દરોડા

હત્યાની ઘટના સંદર્ભે પોલીસને મહત્વના પુરાવા મળ્યાઃ ડીવાયએસપી જાડેજા દ્વારા તપાસનો ધમધમાટ

રાજકોટ, તા. ૨૯ :. લોધીકાના અનીડાવાછડા ગામે દલિત યુવાનની તેના હીસ્ટ્રીશીટર મિત્રએ જ કુહાડીના ઘા ઝીંકી હત્યા કર્યાની ઘટનામાં પોલીસે હીસ્ટ્રીશીટર ઈશાક ઉર્ફે ઘોઘાના આશ્રય સ્થાનો પર દરોડા પાડયા હતા પરંતુ તે હાથ આવ્યો ન હતો. બીજી બાજુ પોલીસને હત્યાની ઘટના અંગે મહત્વના પુરાવાઓ સાંપડયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ લોધીકાના અનીડાવાછડા ગામે ભીખાભાઈ બેચરભાઈ મકવાણાની વાડીમાં ગોપાલ કરશનભાઈ વાઘેલા (ઉ.વ. ૩૫) રે. અનીડાવાછડાની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવ્યા બાદ પોલીસ તપાસમાં મૃતક ગોપાલને તેના મિત્ર નામચીન ઈશાક ઉર્ફે ઘોઘો સુલેમાનભાઈ જોબણ રહે. અનિડાવાછડાએ પતાવી દીધાનું ખુલ્યુ હતું. હત્યાનો ભોગ બનનાર ગોપાલ અને તેનો મિત્ર ઈશાક ઉર્ફે ઘોઘો પરમ દિ' રાત્રે વાડીમાં દારૂ પીવા માટે ભેગા થયા બાદ બન્ને વચ્ચે કોઈ બાબતે ચડભડ થતા ઉશ્કેરાયેલ ઈશાકે તેના મિત્ર ગોપાલ પર કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી.

દરમિયાન દલિત યુવાનની હત્યા કરનાર નામીચા ઈશાક ઉર્ફે ઘોઘાને ઝડપી લેવા રૂરલ એસ.પી. બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવાઈ હતી. આ પોલીસની ટીમોએ ઈશાકના આશ્રય સ્થાનો પર દરોડા પાડયા હતા પરંતુ તેનો પત્તો લાગ્યો ન હતો. બીજી બાજુ આ હત્યાની ઘટના સંદર્ભે પોલીસને ઈશાક વિરૂદ્ધ મહત્વના પુરાવા મળ્યા છે. મૃતક ગોપાલનો ભાઈ મનિષ ઉર્ફે દુડી આરોપી ઈશાકનો સાગરીત હોવાનું અને તેના વિરૂદ્ધ પણ ગુન્હાઓ નોંધાયા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યુ છે.

હત્યામા સંડોવાયેલ ઈશાક ઉર્ફે ઘોઘાની વિવિધ પોલીસ ટીમો દ્વારા શોધખોળ હાથ ધરાઈ છે. વધુ તપાસ ગોંડલના ડીવાયએસપી હરપાલસિંહ જાડેજા ચલાવી રહ્યા છે.

(11:43 am IST)