Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

સ્વચ્છતાના ગુણોને જીવન વ્યવહાર સાથે જોડવા મોરબી જિલ્લા કલેકટરશ્રીનો અનુરોધ

મોરબી ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ મહોત્સવ કાર્યક્રમ યોજાયો

મોરબી,તા.૨૯: મોરબી ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લા કલેકટર આર. જે. માકડીયાના અધ્યક્ષસ્થાને સ્વચ્છ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન અન્વયે સારી કામગીરી કરનાર સરપંચશ્રીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

     આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી માકડીયાએ ઉપસ્થિત સર્વેને જીવન વ્યવહાર સાથે સ્વચ્છતાના ગુણોને જોડવા અનુરોધ કરતા જણાવ્યું હતુ કે, જિલ્લાના છેવાડાના ગામોમાં પણ સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવાય અને સ્વચ્છતા અંતર્ગત લોકોની માનસિકતા બદલાય તેવા પ્રયત્નો આપણે સૌએ સાથે મળીને કરવા જોઈએ. આવનારા દિવસોમાં સામાજિક સબંધોનું મુલ્યાંકન સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને થશે  તેમજ કાયમી ધોરણે સ્વચ્છતાના મુલ્યને ભાવિ પેઢી જાળવી રાખે તે ખુબ જરૂરી છે, તેમ પણ જણાવ્યું હતું.

     આ પ્રસંગે જયોતિસિંહ જાડેજા અને મંજુલાબેન દેત્રોજાએ તેમના પ્રાસંગિક ઉદ્દબોદ્યનમાં સ્વચ્છતા જીવન સાથે વણાયેલી છે, તેમ જણાવી સૌના સહિયારા પ્રયાસથી ગામ-શહેર- જિલ્લાને સ્વચ્છ બનાવવા અપીલ કરી હતી.

     આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી ડી.ડી. જાડેજાએ સ્વાગત પ્રવચનમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લામાં કરવામાં આવેલી કામગીરીની વિસ્તૃત છણાવટ કરી હતી. કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટય કરીને કરવામાં આવી હતી. આભાર વિધિ મોરબી તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સરપંચ અને લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન પત્ર આપીને બિરદાવામાં આવ્યા હતા.

     આ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ કચેરીના અધિકારીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા.

(11:33 am IST)