Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

કચ્‍છના સફેદ રણમાં એન્‍ટ્રી ફી નાં ગોટાળામાં કલેકટરનાં આદેશથી પોલીસ ફરિયાદ

ભુજ, તા.૨૯: બહારથી આવતા સહેલાણીઓને સફેદરણ જોવાની સરળતાથી પરમીટ મળી રહી તે ઉદ્દેશ સાથે ભીરંડીયારા નજીક બનાવાયેલી ચેકપોસ્‍ટ પર થયેલી ઉચાપતનો મામલો આમતો છેલ્લા ૧ વર્ષથી ગાજી રહ્યો છે. પરંતુ તપાસ,હુકમ વચ્‍ચે લાંબા સમયથી આ મામલે પોલિસ ફરીયાદ માટે રાહ જોવાતી હતી. ત્‍યારે આજે વિધીવત રીતે કલેકટરે ફરીયાદ કરવાના આદેશ આપ્‍યા બાદ નાયબ મામલતદાર ખાવડાએ પોલિસ મથકે સુમરાસરની મુરલીધર એજન્‍સી સામે સરકારી નાણાની ઉચાપત કરવાનીની ફરીયાદ નોંધાવી છે. જે મામલે પોલિસે વધુ તપાસ શરૂ કરી એજન્‍સીના ક્‍યા વ્‍યક્‍તિઓએ આ ઉચાપત કરી તેની તપાસ શરૂ કરી છે.

ભીંરડીયારાની ચેકપોસ્‍ટ ઉપર ૧૧-૦૧-૧૭થી ૩૧-૦૧-૧૮ સુધી પ્રવાસી દીઠ લેવાતી ઈં  ૧૦૦ ની એન્‍ટ્રી ફી વસુલવાનું કામ મુરલીધર એજન્‍સીને કામ સોંપાયુ હતુ. પરંતુ એજન્‍સીના કર્મીઓએ પરમીટ માટે ખોટી બુકો ઉભી કરી સરકારી નાણા તીજોરીમાં જમા કરાવવાના બદલે ચાંઉ કરી નાંખ્‍યા જેમાં એક કિસ્‍સામાં ૯૯,૬૫૦ રૂપીયા સરકારમાં જમા ન કરાવી અને એક કિસ્‍સામાં પ્રવાસી પાસેથી પૈસા વસુલ્‍યા હોવા છંતા ૧.૩૦.૪૦૦ એમ કુલ્લ ૨.૩૦. લાખ જમા ન કરાવી એજન્‍સી અને તેના કર્મીઓ પૈસા ચાઉ કરી ગયા જેથી પુનમચંદ નાનજી સુવેરા નાયબ મામલતદાર ખાવડાએ આજે કલેકટરના હુકમથી એજન્‍સી સામે ફરીયાદ નોંધાવી તેમાં સામેલ લોકો સામે તપાસ માટે ફરીયાદ કરી છે. જેના આધારે ખાવડા પોલિસ મથકના પી.એસ.આઇ એમ.જે.ચૌધરીએ વધુ તપાસ શરૂ કરી છે. જીલ્લા કલેકટર રૈમ્‍યા મોહને આ મામલે પહેલા તપાસ અને ત્‍યાર બાદ ફરીયાદ કરવાના હુકમ તો કર્યો હતો. પરંતુ લાંબા સમયથી પોલિસ મથકે આ મામલો પહોંચતો ન હતો. પરંતુ અંતે પ્રવાસીઓ પાસેથી પરમીટના નામે લીધેલા પૈસા સરકારી તીજોરીમાં જમા ન કરાવી સરકાર સાથે ઠગાઇ કરનાર એજન્‍સી સામે ફરીયાદ નોંધાઇ છે. જો કે જોવુ એ અગત્‍યનુ રહેશે તપાસ દરમ્‍યાન કોની કોની સંડોવણી આ મામલે ખુલે છે.

 

(4:10 pm IST)