Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

એક પણ જૈન પરિવારનું મકાન નથી છતા જૈન ધર્મના રંગે રંગાયેલા મુળી તાલુકાના ખાટડી ગામમાં રબારી પરિવારના હિરાબાની વર્ષિતપના પારણાનો મહોત્સવ ઉજવાશે

વઢવાણ તા.૨૯ : લીમડી અજરામર જૈન શાસનમાં ૧૦૦ વર્ષ પહેલા દિક્ષીત સંતોએ ઝાલાવાડ કાઠીયાવાડના ગામોમાં હજારો માઇલ પગપાળા ચાલી વિહાર કરીને પ્રાણીરક્ષા અને અબોલ પશુઓની થતી ક્રુર બલી ચઢાવવાની પ્રથાઓ બંધ કરાવવા જીવદયાનું અનોખુ મિશન ચલાવનારા જૈનમુનિશ્રી જેઠમલજી જેનો જન્મ કારડીયા રાજપુત સમાજમાં એ વખતે સાયલા તાલુકાના ખાટડી ગામે તા.૭-૬-૧૮૮૫માં થયો હતો. તેમના પિતા જીજીભા અને માતા બીનજીબાના પ્રાણીમાત્ર પર દયા અને ધાર્મિકવૃતિના ધાર્મિક સંસ્કારો નાનપણથી જેઠીજીમાં હતા. માત્ર ૧૬ વર્ષની વયે તેમને વૈરાગ્યભાવના જાગી. જૈનમુનિ લવજીસ્વામી પાસે તેમને જૈનદિક્ષા અંગીકાર કરી. જીવદયા કરૂણા અને અહિંસાનો ઉપદેશ આપતા અનેક રાજયોમાં વિહાર કરેલ. જામનગરના જામસાહેબ વાંકાનેરના પ્રતાપસિંહ સહિત બ્રિટીશ રાજયના રાજાઓને પણ તેમના પ્રત્યે માન હતુ. કતલખાના અને પશુઓ માટે દયાભાવના માટે અદભૂત મિશન ચલાવનારા જૈનસંત શ્રી જેઠમલજીએ સંયમજીવનના છેલ્લા પાંચ વર્ષ મોરબી મહેતાસોપમાં વિતાવેલ. દિવાળીના દિવસે ભગવાન મહાવીરના નિર્વાણ કલ્યાણ દિવસે જ મોડી રાત્રીના કાઉસગ્ગ અવસ્થામાં જ કાળધર્મ પામેલ. ખાટડીના પનોતાપુત્ર જેઠમલજીની જન્મભૂમિમાં જૈનોનું એકપણ ઘર ન હોવા છતા સમસ્ત ખાટડીગામમાં જૈનધર્મના રંગે રંગાયેલ જોવા મળે છે. તેમનો પશુ પંખી પ્રેમ અને જીવદયાનો ઉપદેશની યાદ તાજી રાખવા ખાટડી ગામે જૈન સંત શ્રી જેઠીમલસ્વામી પક્ષીઘર બનાવેલ. જેનુ ઉદઘાટન પૂ.ભાસ્કરજી સ્વામીની પાવન નિશ્રામાં થશે.

પૂ.આધ્યાત્મક યોગી ભાવચંદ્રજીએ ૨૦૧૬-૧૭બે વર્ષમાં ખાટડી ગામના ગરાસદાર રાજપુત ઝાલા પરીવાર અને રબારી પરિવારોમાં મોક્ષ ગતિ પામવા જીવનમાં કરેલા કર્મો ખપાવવા જપ તપ નો મહિમા સમજાવતા ઝાલા પરિવારમાં પાંચ પાંચ વરસીતપની ઉગ્ર તપસ્યા સ્વરૂપબા રાજેન્દ્રસિંહ ઝાલા, ગં.સ્વ.કુસુમબા ખોડુભા ઝાલા, નિતાબા નરેન્દ્રસિંહ ઝાલા, નયનાબા જયવિરસિંહ ઝાલા અને તાજેતરમાં મીનાબા નરેન્દ્રસિંહ ઝાલાએ વરસીતપની તપ આરાધના પુર્ણ કરી કચ્છમાં ભિમોરા ખાતે શાતા પુર્વવક પારણા કરેલ. જપ તપનો મહિમા ન્યારો તેમ તપ આરાધકો માંથી પ્રેરણા લઇ રબારી પરિવારના ૬૫ વર્ષીય હિરાબેન લઘરાભાઇ ગલચરે અખંડ પર્ણે તેર મહિના અને તેર દિવસ સુધી એકાંતરા ઉપવાસ જેમાં માત્ર ઉકાળેલા પાણી તે પણ રાત્રી દરમિયાન ત્યાગ સાથે ખૂબ જ શાતા પુર્વક પુર્ણ કરી રહ્યા છે. ત્યારે સમસ્ત ખાટડીગામ તેમના ઇશુરક્ષ (પારણા) કરાવવા થનગની રહ્યુ છે.

તા.૩૦-૬-૧૮ના શનિવારે પુ.ગુરૂદેવ ભાસ્કરજી મહારાજ ખાટડી ગામે પધરામણી કરી તપસ્વીને તપસ્યા ઉપર બે કળશ સ્વરૂપ છઠ્ઠના પચ્ચખાણ અને સંકલ્પ પ્રતિજ્ઞા ગુરૂમુખેથી સંભળાવશે. રાત્રીના ૮-૧૫ કલાકે ભકિતસંધ્યા જેમાં અમદાવાદના સંગીતકાર સંકેત શાહ, તપસ્વીની ગીતોની અનુમોદના કરશે. તા.૧-૭-૧૮ના રોજ મહામાંગલીક અને પ્રખર પ્રચારક પ્રાણીમિત્ર જેઠમલજી મહારાજ પંખીઘરનું ઉદઘાટન કરવામાં આવશે. તપસ્વીના પિતાશ્રી પાચાભાઇ નાજાભાઇ ચોટીલા તરફથી મહાપ્રસાદ તા.૨-૭-૧૮ના દિવસે તપસ્વીની ઝાઝરમાન શોભાયાત્રા અને નવ કલાકે શેરડીના રસ વડે તપસ્વીને પારણા કરાવવામાં આવશે.

આ પ્રસંગે રબારી સમાજના આસ્થાના સ્થળ વડવાળા મંદિરે ધામ દૂધઇના મહંતશ્રી રામબાલક દાસજી આર્શિવચન પાઠવશે. બપોરના લધરાભાઇ નારાયણભાઇ ગલચર પરિવાર તરફથી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.

બે હજારની વસ્તી ધરાવતા નાનકડા એવા ખાટડી ગામે જૈન ધર્મની કઠોર તપ કરનાર હિરાબાના પારણા પ્રસંગે અનેક સંતો મહંતો, મહાનુભાવો તેમજ જૈન જૈનેતરોનું સ્વાગત કરતા તેમજ કાર્યક્રમને દિપાવવા જૈન સંતશ્રી જેઠમલજી સ્વામી સાર્વજનીક સેવા સંઘ તથા રાજભા ઝાલા, હનુભા ઝાલા, ગભરૂભાઇ સહિત સમસ્ત ખાટડી ગામ થનગની રહ્યુ છે.

(1:07 pm IST)