Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

ધારીમાં દારૂના ખોટા કેસમાં નિર્દોષને જેલમાં પુરાવી દેવા ખોટી બાતમી આપનારા ઝડપાયા

અમરેલી તા. ૨૯ : પોલીસ અધિક્ષક શ્રી અમરેલીનાઓએ અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતી તમામ પ્રવૃતિઓ બંધ થાય અને જિલ્લાના સજજન વ્‍યકિતઓને કોઇ પણ પ્રકારની હેરાનગતિ ન થાય તે માટે તટસ્‍થ રહી અને કોઇ નિર્દોષ નાગરીકો ઉપર કોઇ ખોટા કેસો ન થાય કે અન્‍ય કોઇ રીતે હેરાન ન થાય.અને ન્‍યાય મળે તે શુભ આશયથી તે રીતેની કામગીરી કરવા સુચનાઓ કરેલ હતી.

ધારી પોલીસ સ્‍ટેશનમાં ફરજ બજાવતાં પોલીસ કોન્‍સ.મહેન્‍દ્રભાઇ મેરામભાઇ વાળાને પોલીસના બાતમીદાર સીરાજભાઇ વલીભાઇ ઓઠ્ઠા રહે.ધારી નવી વસાહત વાળાએ બાતમી આપેલ કે ધારી નવી વસાહતમાં રહેતાં રમેશભાઇ બાબુભાઇ મકવાણા ના મકાનના ધાબા ઉપર ઇગ્‍લીશ દારૂ સંતાડેલ છે.તે જે તારીખે નાઇટ રાઉન્‍ડમાં રહેલ ધારી પોલીસ સ્‍ટેશનના પોલીસ કોન્‍સ. ઉમેશભાઇ ભાણકુભાઇ માંજરીયાનાઓને પોલીસના બાતમીદાર સતીષભાઇ ડેડાણીયા રહે.ધારી વેકરીયા પરાવાળાએ પણ રમેશભાઇ બાબુભાઇ મકવાણાના ધરે છત ઉપર ઇગ્‍લીશ દારૂ હોવાની બાતમી પોલીસને આપેલ હતી.

ધારી પોલીસ સ્‍ટેશનના બે પોલીસ કોન્‍સ.ને એકજ વ્‍યક્‍તિના ધરે ઇગ્‍લીશ દારૂ હોવાની અલગ-અલગ બાતતીદારોએ માહિતી આપેલ હતી.જે બાતમી આધારે ધારી નવી વસાહત ખાતે રહેતાં રમેશભાઇ બાબુભાઇ મકવાણા ના રહેણાંક મકાને પંચો સાથે રેઇડ કરતાં મકાનના ધાબા (છત) ઉપરથી રોયલ સ્‍ટાઇલ જીનની પ્રરપ્રાંતના દારૂની કૂલ બોટલ-૧૯ કિ.રૂા.૭૬૦૦નો મુદામાલ મળી આવેલ હતો. જેથી સદરહું મકાનના માલીક રમેશભાઇ બાબુભાઇ મકવાણા રહે.ધારી નવી વસાહત વાળાની પુછપરછ કરતાં તેઓ કયારેય કોઇ પ્રકારનો દારૂ લાવેલ નથી. કે દારૂ પીતા પણ નથી.અને આગલી રાત્રે મારી છત ઉપર કાંઇક અવાજ આવતો હતો પરંતુ ચોમાસા જેવું વાતાવરણ હોય હું જોવા ગયેલ નથી. આ દારૂ મને ખોટા કેસમાં ફીટ કરવા માટે કોઇ મુકી ગયેલ છે. તેવી વિગત જણાવેલ હતી.

જેથી ધારી પોલીસ સ્‍ટેશનના પોલીસ સબ ઇન્‍સ.શ્રી કે.ડી.ગોહિલનાઓને મકાન માલીકની વાતમાં સત્‍ય જણાયેલ અને ખરેખર ઈગ્‍લીશ દારુ અન્‍ય કોઇનો હોઇ શકે તેવું જણાઇ આવતાં પોલીસના બાતમીદારો (૧) સીરાજભાઇ વલીભાઇ ઓઠ્ઠા રહે.ધારી નવી વસાહત (૨) સતીષભાઇ ડેડાણીયા રહે.ધારી વેકરીયા બોલાવી યુક્‍તિ -પ્રયુકિતીથી પુછપરછ કરતાં આ ઈગ્‍લીશ દારૂ પોતેજ ત્‍યાં મુકેલાની હકિકત જણાવેલ જેથી વધુ કડક પુછપરછ કરતાં નીચે મુજબની હકિકત જાણવા મળેલ.

આરોપીઓ (૧) ઇલીયાસ મુસાભાઇ સૈયદ રહે.ધારી ખોજાપા શેરી તા.ધારી.(૨) સીરાજભાઇ વલીભાઇ ઓઠા રહે.નવી વસાહત ધારી (૩) સતીષભાઇ કરશનભાઇ ડેડાણીયા રહે.વેકરીયાપરા ધારી (૪) નીતીનભાઇ પુનાભાઇ બાભણીયા રહે.ઉના મોદસર હજરતશાહપીર ની દરગાહ પાછળ તા.ઉના જી.ગીરસોમનાથ હાલ ધારી વેકરીયા પરા વાળાઓને ધારી નવી વસાહતમાં રહેતાં         રમેશભાઇ બાબુભાઇ મકવાણા  સાથે મિલકત બાબતે વાંધા ચાલતા હોય અને રમેશભાઇ મકાન ખાલી ન કરતાં હોય જેથી ઉપરોકત ચારેય ઇસમોએ ઇગ્‍લીશ દારુ મંગાવી રમેશભાઇ મકવાણાની છત ઉપર મુકી ગુન્‍હાહીત કાવતરૂ રચી પોલીસને ખોટી બાતમી આપી ખોટા કેસમાં ફીટ કરી દેવાનો પ્‍લાન બનાવેલ જેથી રમેશભાઇ મકવાણા તેના મકાનનો કબ્‍જે ખાલી કરી આપે.તેવી વિગત જણાયેલ.

જેથી આરોપી ૧) ઇલીયાસ મુસાભાઇ સૈયદ રહે.ધારી ખોજાપા શેરી તા.ધારી.(૨) સીરાજભાઇ વલીભાઇ ઓઠા રહે.નવી વસાહત ધારી (૩) સતીષભાઇ કરશનભાઇ ડેડાણીયા રહે.વેકરીયાપરા ધારી (૪) નીતીનભાઇ પુનાભાઇ બાભણીયા રહે.ઉના મોદસર હજરતશાહપીર ની દરગાહ પાછળ તા.ઉના જી.ગીરસોમનાથ હાલ ધારી વેકરીયા પરા વાળા વિરૂધ્‍ઘ ગુન્‍હો દાખલ કરવામાં આવેલ અને ઉપરોકત ચારેય ઇસમોની ધરપકડ કરવામાં આવેલ હતી.

હાલની તપાસમાં આરોપીઓએ ઇગ્‍લીશ દારૂ જુનાગઢથી ભાર રીક્ષામાં મંગાવેલાની હકિકત જણાવેલ હોય તે ભાર રિક્ષા તથા અન્‍ય ગુન્‍હામાં વપરાયેલ વાહનો તથા દારૂ આપનાર તથા સદરહું ગુન્‍હાની તપાસ હાલ શરૂ છે.અને અન્‍ય આરોપીઓના નામ ખુલવાની શકયતા હોય જે બાબતે  આગળની વધુ તપાસ ધારીના પોલીસ સબ ઇન્‍સ.શ્રી કે.ડી.ગોહિલનાઓ ચલાવી રહેલ છે.

આમ, પોલીસના બાતમીદારોએ પોલીસને ખોટી માહિતી આપી નિર્દોષ નાગરીકને ખોટા કેસમાં ફીટ કરાવી દેવાના કાવતરાનો પર્દાફાસ થયેલ છે.અને પોલીસને ખોટી બાતમી આપી નિર્દોષ વ્‍યકતિને ફસાવી દેવાનું વિચારતાં લોકો માટે આ એક દાખલા રૂપ કિસ્‍સો છે.અને ભવિષ્‍યમાં આવી રીતે પોલીસને કોઇ ખોટી બાતમી આપી નિર્દોષ વ્‍યક્‍તિઓને ફસાવી દેવા ખોટી બાતમી આપનાર વિરૂધ્‍ઘ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

સદરહું કામગીરી પોલીસ અધિક્ષક શ્રી અમરેલીનાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા વિભાગ સાવરકુંડલાના માર્ગદર્શન હેઠળ ધારી પોલીસ સ્‍ટેશનના પોલીસ સબ ઇન્‍સ.શ્રી કે.ડી. ગોહિલ તથા ધારી પોલીસ સ્‍ટેશનના પોલીસ કોન્‍સ.મહેન્‍દ્રભાઇ વાળા તથા ઉમેશભાઇ માંજરીયા તથા જાવેદભાઇ શેખ તથા મનિષદાન ગઢવી તથા જિતેન્‍દ્રકુમાર મકવાણા તથા મહેશભાઇ રાઠોડ તથા જિતેન્‍દ્રભાઇ ભેડા તથા મહેશદાન ગઢવી વિગેરેનાઓએ કરેલ છે.

 

(12:47 pm IST)