Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

સરદાર પટેલ વિશે અપમાનજનક ટીપ્પણી કરતા પૂર્વ કોંગી મંત્રી સૈફુદીન સોઝના પૂતળાનું દહન

ભાજપ દ્વારા ભાવનગરના કાળા નાળા ચોક ખાતે

ભાવનગર, તા. ૨૯ :. ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા ગુજરાતના પનોતા પુત્ર સરદાર પટેલ અને જમ્મુ કાશ્મીર વિશે અપમાનજનક અને અસંવિધાનીક ટિપ્પણીઓ કરનાર પૂર્વ કેન્દ્રીય કોંગ્રેસી મંત્રી સૈફુદીન સોઝના પૂતળાનું દહન શહેરના કાળા નાળા ચોકમાં કરાયુ હતું. જેમાં ભારતીય જનતા પાર્ટીના અસંખ્ય કાર્યકર્તાઓ જોડાયા હતા.

આ અંગે શહેર ભાજપાના મહામંત્રી વનરાજસિંહ ગોહિલ, મહેશભાઈ રાવલ અને રાજુભાઈ બાંભણીયા દ્વારા એક સંયુકત નિવેદનમાં જણાવવામાં આવ્યુ હતું કે દેશની સૌથી જૂની પાર્ટી એવી કોંગ્રેસ તેની વયમર્યાદાના કારણે માનસિક સંતુલન ગુમાવી બેઠી હોય તેમ તેના નેતાઓ એક પછી એક રાષ્ટ્રદ્રોહી તત્વોને અને આતંકવાદીઓના સમર્થનમાં રાષ્ટ્ર વિરોધી નિવેદનો આપી રહ્યા છે. તેમા પણ કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી સૈફુદીન સોઝે દેશના અભિન્ન અંગ સમાન જમ્મુ કાશ્મીર અંગે અસંવિધાનીક ટિપ્પણી કરતા જમ્મુ કાશ્મીરને આઝાદી આપવાની અને દેશના પનોતા પુત્ર એવા સરદાર વલ્લભભાઈ પટેલ અને તેના નેતૃત્વ અંગે રાષ્ટ્ર વિરોધી તત્વો અને જમ્મુ કાશ્મીરના ભાગલાવાદી તત્વોને મદદ કરતા નિવેદનો કરતા આજરોજ ભારતીય જનતા પાર્ટીએ તેના પૂતળાનું દહન કર્યુ હતુ. એક તરફ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ૨૪ કલાક રાત-દિવસ જોયા વગર દેશને એક નવી ઉંચાઈઓ પર લઈ જવા પરિશ્રમની પરાકાષ્ટા સર્જી રહ્યા છે અને રાષ્ટ્ર વિરોધી તત્વોને, પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહ્યા છે ત્યારે આવા રાષ્ટ્ર વિરોધી તત્વો સામે વ્યકિતગત વેર ભાવ ત્યજી રાષ્ટ્ર હિતને સર્વોપરી બનાવવાને બદલે બુઢી કોંગ્રેસના નેતાઓ સત્તા વિહોણા બનાવવાથી ભાન ભૂલ્યા હોય તેમ દેશના ગદ્દારોના ખોળે બેસી એક પછી એક રાષ્ટ્ર વિરોધી નિવેદનો કરી રહ્યા છે. જેના કારણે સીમા પાર આતંકવાદીઓના આકાઓ અને જમ્મુ કાશ્મીરના ભાગલાવાદી પરિબળોને પ્રોત્સાહન પુરૂ પાડી રહ્યા છે. એક તરફ રાષ્ટ્રહિત માટે અને રાષ્ટ્ર વિરોધી તત્વોને જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય જનતા પાર્ટી જમ્મુ કાશ્મીરની સરકારની કુરબાની આપે છે ત્યારે કોંગ્રેસના અનેક નેતાઓ રાહુલ ગાંધી, દિગ્વીજયસિંહ, સૈફુદીન સોઝ, મણીશંકર અય્યર, સંજય નિરૂપમ વગેરે નેતાઓ દ્વારા બેફામ નિવેદનો કરી સત્તા લાલસામાં દેશની એકતા અને અખંડીતતાને તોડવાની કોશિષ કરવામાં આવી રહી છે જેને આજે ભારતીય જનતા પાર્ટીએ વખોડી કાઢી હતી.

(11:30 am IST)