Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

ભાવનગરમાં મધ્ય, બજાર દિવાનપરા રોડ ઉપર ગંદકીના ગંજઃ કૂતરા - ઢોરોનો અસહય ત્રાસ

સરકાર દ્વારા ચલાવતી સ્વચ્છતા ઝુંબેશ માત્ર કાગળ પર

ભાવનગર, તા.૨૯: ભાવનગર શહેરનાં મધ્યમાં આવેલ દીવાનપરા રોડ પાસે આવેલી હેરીટેજ બાર્ટન લાયબ્રેરી વોરા બજાર જવાનાં રસ્તા પાસે હનુમાનજીની દેરીની બરાબર લગોલગ કચરાના બે ડબ્બા 'ગ્રીન-અને સુકો કચરો' મુકવામાં આવ્યા છે. પરંતુ ઘન કચરો અને લીલો કચરો નાની નાની બે બાલટીમાં નાંખવાને બદલે આજુબાજુમાં રહેતા લોકો મોટા પ્રમાણમાં કચરો બહાર ઠાલવી રહ્યા છે. અને મોટો ઉકરડો બની ગયો છે.

પુરાતત્વ બાર્ટન લાયબ્રેરી અને દેરી પાસે આજુબાજુમાં રહેતા સંવેદનશીલ વિસ્તારનાં લોકો અને સામે આવેલી નોનવેજ લોજનાં કચરો અને હાડકાઓ માસ મચ્છીનાં વધેલા અવશેષો મોટા પ્રમાણમાં ઠાલવવામાં આવી રહ્યા છે. તેમજ ઉકરડામાં કુતરાઓ અને ગાય, બળદ ખાવા માટે ધમાલ બોલાવે છે. નોનવેજનો કચરો અને હાડકા મંદિર સુધી ફેલાય જાય છે. જે શ્રધ્ધાળુઓને ભારે પરેશાન કરે છે. આ અંગે ભાવનગર મહાનગરપાલિકા સત્વરે ઉકરડો નહી હટાવે તો કયારેક અઘટીત ઘટનાઓ બનવાનાં સંજોગો ઉભા થાય તેમ છે. તેવી જ રીતે હાલનાં મેયર મનભા મોરીનાં વિસ્તારમાં જ આવેલ આ નવો ઉકરડો સત્વરે હટાવી હેરીટેજ બાર્ટન લાયબ્રેરી અને હનુમાનજીની દેરી પાસે સ્વચ્છતા જાણવવા જાગૃત નાગરીકોમાં માંગ ઉઠી છે. ઉપરાંત આ ઉકરડાની પાસે આવેલી મહિલા વિદ્યાલયના બાળકોને પણ આ ઉકરડા પાસેથી વારંવાર આવન જાવન કરવી પડે છે અને ઉકરડામાં રહેલા પ્રાણીઓ બાળકોને હડફેટે ચડાવે છે તો બાળકોના જીવ પણ જોખમાય તેમ છે. આ અંગે જવાબદાર અધિકારીઓ આ ઉકરડાને હટાવે તેવી માંગ ઉઠવા પામી છે.

(11:29 am IST)