Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

રૂપાણીની ઉપસ્‍થિતીમાં મોરબીમાં હિન્‍દુ મુસ્‍લિમ સમાજના સમૂહલગ્ન યોજાયા : ૧૭ યુગલો જોડાયા

હિન્‍દૂ-મુસ્‍લિમ સમૂહલગ્ન થકી કોમી એકતા માટે મોરબી સમગ્ર રાજ્‍યમાં રોલ મોડેલ બન્‍યુઃ વિજય રૂપાણી : હઝરત બાવા અહમદશાહ ગ્રુપ આયોજિત ૨૩માં સમૂહલગ્ન

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨૯ : મોરબીમાં કોમી એકતાના પ્રતિક હઝરત બાવા અહમદશાહ ગ્રુપ દ્વારા પૂર્વ સીએમ રૂપાણીની ઉપસ્‍થિતિમાં હિન્‍દૂ-મુસ્‍લિમ સમાજના સમૂહલગ્ન યોજાયા હતા. ૨૩માં સમૂહલગ્નમાં હિન્‍દૂ-મુસ્‍લિમ મળીને ૧૭ યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા. આ અનોખા સમૂહલગ્નમાં બન્ને કોમના રાજકીય સામાજિક અને ધાર્મિક અગ્રણીઓ એક જ છત્ર નીચે ઉપસ્‍થિત રહી પરસ્‍પર ભાઈચારો વ્‍યક્‍ત કરતા કોમી એખલાસ ભર્યું વાતાવરણ સર્જાયું હતું.

મોરબીમાં છેલ્લા ૨૨ વર્ષથી હઝરત બાવા અહમદશાહ ગ્રુપ દ્વારા આયોજન કરીને કોમી એકતા અને સદભાવનાનું વાતાવરણ ઉભું કરવામાં આવે છે. ત્‍યારે આ વખતે પણ ૨૩માં વર્ષે હઝરત બાવા અહમદશાહ ગ્રુપ દ્વારા આજે બ્રાહ્મણની વાડી, મકરાણીવાસ જેલરોડ પાછળ મોરબી ખાતે ૨૩માં હિન્‍દૂ મુસ્‍લિમ સર્વજ્ઞાતિય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્‍યું હતું. એનાઉન્‍સર ડો. શૈલેષભાઇ રાવલ દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ સમૂહલગ્નમાં ૧૦ મુસ્‍લિમ યુગલો કલમાં પઢી તેમજ ૭ હિન્‍દૂ યુગલો હિન્‍દૂ શાષાોક્‍ત વિધિથી લગ્નગ્રંથિથી જોડાયને સંસારજીવનની શરૂઆત કરી હતી. એક જ મંડપ નીચે કલમાં અને હિન્‍દૂ શાષાોના મંત્રોચ્‍ચારથી દિવ્‍ય કોમી એખલાસભર્યું વાતાવરણ સર્જાયું હતું. આ હિન્‍દૂ મુસ્‍લિમ સમૂહલગ્નમાં પૂર્વ સીએમ વિજય રૂપાણી, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, પ્રદીપભાઈ વાળા, ભાવેશ્વરીબેન, સહિતના બન્ને કોમના અગ્રણીઓ અને ધર્મગુરુઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

આ તકે પૂર્વ મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્‍યું હતું કે, આ સમૂહલગ્ન એક કોમી એકતાની મિશાલ સમાન છે. બન્ને સમાજના તમામ અગ્રણીઓ ધર્મગુરુઓ એક છત્ર નીચે આવતા હોય કોમી એખલાસભર્યું વાતાવરણ સર્જાય છે. છેલ્લા ૨૩ વર્ષથી યોજાતા આ સમૂહલગ્ન થકી કોમી એકતાનો મેસેજ જતો હોવાથી મોરબી કોમી એકતા માટે સમગ્ર રાજ્‍યમાં રોલ મોડલ બન્‍યું છે અને મોરબીથી પ્રેરણા લઈને આખા ગુજરાતમાં સમૂહલગ્ન યોજાઈ છે. તે ખરેખર સરાહનીય બાબત છે. આ સમુહલગ થકી કોમી એકતાની સાથે સામાન્‍ય વર્ગના લોકોના ઘરે આવા લગ્નો ન થઈ શકતા હોય એક પંથે દો કાજ જેવી આ સમૂહલગ્ન પ્રેરણા પુરી પાડે છે. આવા સમુહલગ થકી સામાન્‍ય વર્ગના દીકરા દીકરીના ધામધૂમથી લગ્ન કરવાના અરમાનો પુરા થાય છે. સાથેસાથે તેઓએ નવદંપતિઓને સાસુ સસરાને પણ માવતર ગણી તેની સેવા કરવાની શીખ આપી હતી.

હિન્‍દૂ મુસ્‍લિમ સમૂહલગ્નના પ્રણેતા અહેમદ હુસેન બાપુએ જણાવ્‍યું હતું કે, ઇન્‍સનીયતથી મોટો કોઈ ધર્મ નથી. એટલે આ દિશામાં આ અનોખા સમૂહલગ્ન છેલ્લા ૨૩ વર્ષથી સુંદર રીતે યોજાઈ છે. તેમાં કોઈ એકનો ફાળો નહિ પણ બન્ને કોમના લોકો હલી મળીને તહેવારની જેમ આ સમૂહલગ્ન ઉજવતા હોય ત્‍યારે આજે દિવાળી અને ઇદ એકસાથે હોય તેવું વાતાવરણ સર્જાયું છે. સાથેસાથે તેમણે સમૂહલગ્ન જરૂરિયાતમંદ માટે આશીર્વાદ સમાન હોય દરેક સમાજ આવા સમુહલગ કરે તેવી તેમણે શીખ આપી હતી અને મોરબીથી આ સમૂહલગ્ન શરૂ થઈને આખા ગુજરાતમાં યોજાતા હોય તે મોરબી માટે ગૌરવની વાત છે

(2:22 pm IST)