Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

જામનગરમાં સેવાકીય ખામી બદલ રૂા. પ,૬ર,૯૧૭ વિમા કંપનીએ વળતર ચુકવવા આદેશ

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., ૨૯: જામનગરના રહેવાસી રાજેશપુરી સી.ગોસ્‍વામીએ પોતાના ટેનામેન્‍ટમાં બીજા માળ પર બાંધકામ કરવા એકસીસ બેંક લી. પાસેથી લોન મેળવેલ અને સદરહું લોન મેળવતી વખતે મેકસ લાઇફ ઇન્‍સ્‍યોરન્‍સ કંપની લી.નો મેકસ લાઇફ ગ્રુપ ક્રેડીટ સીકયોર પ્‍લાન મેળવેલ. સદરહું પોલીસીના અસ્‍તીત્‍વ દરમ્‍યાન રાજેશપુરી ગૌસ્‍વામીને કેન્‍સરની બીમારી થતા ચાલુ સારવાર દરમ્‍યાન તા.૧૪-પ-ર૧ના રોજ અવસાન પામેલ જેથી તેના  વારસો દ્વારા વિમા પોલીસીની ઇન્‍સ્‍યોર્ડ રકમ મેળવવા કલેઇમ ફોર્મ ભરતા વિમા કંપની દ્વારા ગુજ. રાજેશપુરીને પોલીસી મેળવતા પહેલાથી જ કેન્‍સરની બિમારી હોય જેથી કલેઇમ રેપ્‍યુડીએટ કરેલ.

ગુજ. રાજેશપુરીના વારસો દ્વારા જામનગરના ગ્રાહક તકરાર નિવારણ કમીશન સમક્ષ વિમા પોલીસીની રકમ મેળવવા વકીલશ્રી સોહીલ બેલીમ મારફતે ફરીયાદ દાખલ કરેલ અને ફરીયાદી તરફે વકીલશ્રી સોહીલ આર.બેલીમ દ્વારા નામદાર નેશનલ કમીશનના ચુકાદા રજુ કરેલ અને જીણવટ ભરી દલીલો કરેલ કે દાંતમાં દુઃખાવો થતા ડેન્‍ટલ હોસ્‍પીટલમાં સારવાર લીધેલ છે અને ત્‍યાર બાદ પોલીસ સમયગાળા દરમ્‍યાન કેન્‍સર બાબતે સારવાર કરવામાં આવેલ પરંતુ બાયોપ્‍સી રીપોર્ટ કરવામાં આવેલ નથી. જેથી પોલીસી મેળવતા સમયે કેન્‍સર હોય તેમ માની શકાય નહી અને ફરીયાદીના વકીલશ્રીની સદર દલીલ માન્‍ય રાખતા વિમા કંપની વિરૂધ્‍ધ પોલીસીની સમ ઇન્‍સ્‍યોર્ડ રકમ રૂા. પ,૬ર,૯૧૭ મંજુર કરેલ અને પ્રથમ બેંકને લોનની રકમ ચુકવવી અને ત્‍યાર બાદની વધતી રકમ ગુજ. રાજેશપુરીના વારસોને ચુકવવા આદેશ કરેલ છે. તેમજ સદર રકમ અરજી દાખલ કર્યેથી વસુલ થતા સુધી ૭ ટકાના વ્‍યાજ સાથે ચુકવવા તથા રૂા. ૭,૦૦૦ માનસીક ત્રાસ તથા ફરીયાદ ખર્ચના ચુકવવા આદેશ કરેલ.

ગુજ. રાજેશપુરી ગૌસ્‍વામીના વારસોના વકીલ તરીકે વિરલ એસ. રાચ્‍છ, સોહીલ આર. બેલીમ તથા જે.બી.ગોસાઇ રોકાયેલા હતા.

(2:02 pm IST)