Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

સુદામા સેતુ નજીકની પ્રતિબંધિત જગ્‍યા પર ડ્રોન ચલાવતા અજમેરના શખ્‍સ સામે ગુનો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૨૯ : દ્વારકામાં આવેલા જગત મંદિર નજીકના સુદામા સેતુ પાસે એક ડ્રીન કેમેરો ચાલતો હોવા અંગેની જાણ તંત્રને થતા આ અંગે જોવામાં આવેલા સીસીટીવી ફૂટેજમાં રાજસ્‍થાન રાજયના અજમેર વિસ્‍તારમાં રહેતા તરુણ ઓમપ્રકાશ રાજોરીયા નામના ૨૮ વર્ષના શખ્‍સ દ્વારા આ ડ્રોન ઉડાવવામાં આવ્‍યું હોવાથી આ અંગે દ્વારકા પોલીસે ફરિયાદી બની અને તરુણ રાજોરિયા સામે જાહેરનામા ભંગ અંગેની કલમ મુજબ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી કરી હતી,

બેરાજા ગામેથી દારૂના જથ્‍થા સાથે ત્રણ  ઝડપાયા

ખંભાળિયા તાલુકાના બેરાજા ગામે રહેતા દિલાવર રફિક સોઢા નામના ૩૩ વર્ષના શખ્‍સના રહેણાંક મકાનમાં મોડી રાત્રિના સમયે સ્‍થાનિક પોલીસે દરોડો પાડી, આ સ્‍થળેથી દિલાવર સોઢા ઉપરાંત રોહિત રત્‍નાભાઈ રાઠોડ અને હિતેશ વશરામભાઈ પરમાર નામના ત્રણેય શખ્‍સોએ મળી અને મંગાવેલી વિદેશી દારૂની રૂપિયા ૪,૦૦૦ ની કિંમતની જુદી જુદી બ્રાન્‍ડની ૧૦ બોટલ કબજે કરી હતી.

આ પ્રકરણમાં પોલીસે ત્રણ મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા ૧૯ હજારનો મુદ્દામાલ કબ્‍જે કરી, ત્રણેય શખ્‍સો સામે પ્રોહી. એક્‍ટ મુજબ કાર્યવાહી કરી હતી.

વિજશોક લાગતા કલ્‍યાણપુર પંથકના યુવાનનું મૃત્‍યુ

કલ્‍યાણપુર તાલુકાના પ્રેમસર ગામે રહેતા સામતભાઈ રામદેભાઈ ગોજીયા (ઉ.વ.૪૫) વાડીમાં આવેલા કુવા પાસેના ટીસી ઉપર લગાવેલા ડાયા ચેક કરવા જતા તેમને જોરદાર વિજ કરંટ લાગ્‍યો હતો, જેથી ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં તેમને વધુ સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા, જયાં તેમનું મૃત્‍યુ નીપજયું હતું. આ બનાવની જાણ મૃતકના પુત્ર કેવલભાઈ સામતભાઈ ગોજીયાએ કલ્‍યાણપુર પોલીસને કરી છે.

(2:00 pm IST)