Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

દીવમાં અમરેલીના પ્રવાસીઓ અને ટ્રાફિક પોલીસ વચ્ચે મારામારી

મેમો આપવા મામલે બોલાચાલી થઈઃદીવના એસપી અનુજ કુમારે જણાવ્યું કે, ઈકો ગાડીમાં ૧૦ લોકો હતા અને ડ્રાઈવરે દારુ પીધેલો હતો

અમદાવાદ, તા.૨૯ :અમદાવાદઃ ગુજરાતીઓ માટે માઉન્ટ આબુ અને દીવ એ ફરવા માટેના ફેવરેટ સ્થળ છે. દીવનો દરિયા કિનારો અને દારુ પીવાની છૂટ પ્રવાસીઓને આકર્ષે છે. જોકે, બધા અહીં માત્ર દારૃ પીવા જ આવે છે એવું પણ નથી. પરિવાર સાથે વીકેન્ડ પસાર કરવા આવનારા લોકોની સંખ્યા પણ ઓછી નથી. અમરેલીનો એક પરિવાર પણ ઈકો ગાડી લઈને દીવ ફરવા આવ્યો હતો. જોકે, અહીં તેમને ટ્રાફિક પોલીસનો કડવો અનુભવ થયો હતો. દીવ બસ સ્ટેશન પાસે ટ્રાફિક પોલીસે તેમની ગાડી રોકી હતી અને મેમો આપવા મામલે ઈકો ગાડીમાં સવાર લોકો અને ટ્રાફિક પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બાલાચાલી બાદમાં છૂટ્ટા હાથની મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. આ ઘટનાનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં દેખાઈ રહ્યું છે, ટ્રાફિક પોલીસ પ્રવાસીઓને લાફા અને લાતો મારી રહી છે.

મળતી માહિતી મુજબ, દીવ બસ સ્ટેશન સર્કલ પાસે દીવ ટ્રાફિક પોલિસે એક ઈકો કારને રોકી હતી. મેમો આપવા મામલે ઈકો કારમાં બેઠેલા પ્રવાસીઓ અને ટ્રાફિક પોલીસ વચ્ચે રકઝક થઈ હતી.

બોલાચાલી ઉગ્ર બન્યા બાદ વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. આ ઘટનાના વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, ટ્રાફિક પોલીસનો એક જવાન જમીન પર પડેલા એક પ્રવાસીને લાતો મારી રહ્યો છે અને વચ્ચે પડતા લોકોને લાફા અને ધક્કા મારી રહ્યો છે. મહિલા પોલીસ કર્મચારી પણ એક મહિલાને લાફો મારતી જોવા મળી રહી છે.

આ ઘટના અંગે હાલ તો એટલું જ જાણવા મળ્યું છે કે, ટ્રાફિક પોલીસ અને ઈકો કારમાં સવાર પ્રવાસીઓ વચ્ચે મેમો આપવા મામલે વાત વણસી હતી. દીવ એસપી અનુજ કુમારે આ મામલે જણાવ્યું હતું કે, આ મામલે તપાસ ચાલુ છે. પ્રાથમિક રીતે એવું જાણવા મળ્યું છે કે, એક ઈકો ગાડી હતી તેમાં લગભગ ૧૦ લોકો સવાર હતા. ટ્રાફિક પોલીસે જ્યારે તેમને રોક્યા તો તેમની ટ્રાફિક પોલીસ સાથે રકઝક થઈ ગઈ અને એ થોડા ઉગ્ર થઈ ગયા.' પ્રવાસીઓને માર મારવા અંગે તેમણે કહ્યું કે, તપાસ ચાલી રહી છે અને જે પણ પોલીસકર્મી દોષી જણાશે તેમની સામે તાત્કાલિક કાર્યવાહી કરાશે.' મહિલાઓને પણ માર મારવામાં આવ્યો હોવા અંગે એસપીએ જણાવ્યું હતું કે, ત્યાં મહિલા સ્ટાફ પણ હતો અને વિભૂતી નામની કર્મચારી સાથે સૌથી પહેલા મારામારી થઈ હતી. જેના વિડીયો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ઈકોનો ડ્રાઈવર પીધેલો પણ હતો. પરંતુ અમારા સ્ટાફ તરફથી જે પણ અત્યાચાર થયો છે, જેણે પણ મારપીટ કરી છે, એગ્રેસીવ થયા છે, તેની સામે તાત્કાલીક કાર્યવાહી કરવામાં આવશે.' તેમણે એમ પણ જણાવ્યું કે, આ મારામારીમાં પાંચ ટ્રાફિક પોલીસ કર્મીઓને ઈજા થઈ છે. જોકે, તેમણે સ્વીકાર્યું કે, પોલીસ દ્વારા પ્રવાસીઓને માર મરાયો એ યોગ્ય નથી અને તે મામલે પગલાં ભરવામાં આવશે

 

(9:35 pm IST)