Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

નરેન્‍દ્રભાઇના આટકોટના કાર્યક્રમની સાથે...સાથે...

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા. ૨૮ : દેશના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે ૨૦૦ બેડની સુવિધા ધરાવતી શ્રી કે.ડી.પરવાડીયા મલ્‍ટી સ્‍પેશિયાલીટી હોસ્‍પિટલનું લોકાર્પણ કર્યું હતું.
વડાપ્રધાનશ્રી મોદીએ તેમની આગવી શૈલીમાં હોસ્‍પિટલને આશીર્વાદ આપતા જણાવ્‍યું હતું કે, આ વિસ્‍તારમાં એવા સ્‍વાસ્‍થ્‍યપ્રદ વાતાવરણનું નિર્માણ કરીએ કે નવનિર્મિત હોસ્‍પિટલ સદા ખાલી જ રહે અને સંજોગોવસાત સારવાર અર્થે અહી કોઈએ આવવું જ  પડે તો વધુ તંદુરસ્‍ત બનીને સમાજમાં પરત ફરે તેવી મારી શુભેચ્‍છા છે.
વડાપ્રધાનશ્રી મોદીએ કેન્‍દ્ર સરકાર દ્વારા અમલી બનાવાયેલી આયુષ્‍માન યોજનાના સંદર્ભમાં જણાવ્‍યું હતુ કે, સમગ્ર અમેરિકા તથા યુરોપના દેશોની કુલ વસ્‍તી કરતા નિશુલ્‍ક આરોગ્‍ય સારવાર મેળવતા ૅઆયુષ્‍માનૅ યોજનાના લાભાર્થીઓની સંખ્‍યા વધુ છે. જે ભારતની સુદ્રઢ આરોગ્‍ય વ્‍યવસ્‍થાનો બોલતો પુરાવો છે.
વડાપ્રધાનશ્રીએ સામૂહિક પ્રયત્‍નોની સરાહના કરતા કહ્યું હતું કે, સરકારના પ્રયાસોમાં જનતાના પ્રયાસો જોડાવાથી સેવા કરવાની શક્‍તિ વધી જાય છે, જેનાથી ઉત્તમ સમાજનું નિર્માણ શ્રેષ્ઠ રીતે થઈ શકે છે. વર્તમાન કેન્‍દ્ર સરકારના સુશાસનના ૮ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે જનતા જનાર્દનના સમર્થનનો ઋણ સ્‍વીકાર કરતા વડાપ્રધાનશ્રી ભાવુક બની ગયા હતા અને કહ્યું હતું કે ગુજરાતે શીખવેલા શાંતિ અને સદાચારના સમાજસેવાના મજબૂત પાયા થકી જ માતળભૂમિની સેવા કરી રહ્યો છું.
બાપુ અને સરદારની ભૂમિના સંસ્‍કારો થકી જ સુશાસનને આગળ ધપાવવું છે,  એવી નેમ વ્‍યક્‍ત કરતા વડાપ્રધાનશ્રી મોદીએ  જણાવ્‍યું હતું કે,  આ ભૂમિના  સંસ્‍કારોની બદૌલત કદીય એવું કામ નથી કર્યું કે સર ઝૂકાવવું પડે,  આ જ આપણી સાચી મુડી છે.
આ ઉપરાંત ગુજરાત સરકાર દરેક નાગરિકના આરોગ્‍યની સુખાકારી માટે પ્રતિબધ્‍ધતા સાથે મા અમળતમ, આયુષ્‍માન ભારત  અને મા વાત્‍સલ્‍ય યોજના હેઠળ કામગીરી કરી રહી છે. ગરીબ પરીવારોને આયુષ્‍માન ભારત યોજના હેઠળ ૫ લાખની સહાય આપીને તેની પડખે ઉભી છે. આટકોટની કે.ડી.પરવાડિયા હોસ્‍પિટલનું લોકાર્પણ થતાં આઝાદીના અમળત મહોત્‍સવ અન્‍વયે સ્‍વાસ્‍થ્‍યનો ઉત્‍સવ ઉજવાયો છે તેમ મુખ્‍યમંત્રીશ્રીએ કહ્યું હતું.     
વડાપ્રધાનશ્રી મોદીને શાલ અને સ્‍મળતિ ચિહન વડે મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ તથા પ્રદેશ પ્રમુખશ્રી સી.આર.પાટીલે આવકાર્યા હતા. હોસ્‍પિટલના મેનેજીંગ મંત્રીશ્રી ભરત બોઘરાએ વડાપ્રધાનશ્રી મોદીને પાઘડી પહેરાવી અભિવાદન કર્યું હતું. શ્રી ભરત બોઘરાએ સ્‍વાગત પ્રવચનમાં હોસ્‍પિટલના નિર્માણની પૂર્વભૂમિકા અને ઉદ્દેશ્‍ય સ્‍પષ્ટ કર્યા હતા. આ પ્રસંગે બે લાખથી વધુની જંગી જનમેદની ઉપસ્‍થિત રહી હતી અને વડાપ્રધાનના કાર્યક્રમમાં હોશે-હોશે સામેલ થઇ હતી.
વડાપ્રધાનશ્રીના હસ્‍તે લોકાર્પિત થયેલી શ્રી કે.ડી.પરવાડિયા મલ્‍ટી સ્‍પેશિયાલિટી હોસ્‍પિટલમાં ગાયનેક, સર્જરી, ઓર્થોપેડિક, પીડિયાક, મેડીસીન, રેડિયોલોજી, પેથોલોજી, ડેન્‍ટલ અને ફીઝીયોથેરાપી વિભાગમાં નિષ્‍ણાત ડોકટરોની ફુલટાઈમ સેવા ઉપલબ્‍ધ હશે જ્‍યારે નેફ્રોલોજી, કાર્ડિયોલોજી, ન્‍યુરોલોજી, ન્‍યુરો સર્જરી, રૂમેટોલોજી, યુરોલોજી, ગેસ્‍ટ્રો સર્જરી, ગેસ્‍ટ્રોલોજી, ઓન્‍કોલોજી, ક્રિટીકલ કેર વગેરે જેવા વિભાગોમાં સુપર સ્‍પેશીયાલીસ્‍ટ ડોકટરોની વીઝીટીંગ ડોકટર તરીકે સેવાઓ ઉપલબ્‍ધ હશે. મોટા રોગોના નિદાન અને સારવાર માટે હવે મોટા શહેરમાં જવાની જરૂર નહિ પડે, ઘરઆંગણે જ વાજબી દરે આરોગ્‍યવિષયક તમામ સેવાઓ મળી શકશે જેનાથી લોકોનો સમય અને પૈસા બંનેની બચત થશે.
  આ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી સી.આર.પાટીલ, કેન્‍દ્ર સરકારના આયુષ વિભાગના મંત્રીશ્રી મહેન્‍દ્રભાઇ મુંજપરા, કેન્‍દ્રીયમંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા તથા મંત્રીશ્રી પુરૂષોત્તમ રૂપાલા, રાજયના મંત્રીમંડળના સદસ્‍યો, સાંસદો, ધારાસભ્‍યો, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભૂપતભાઇ બોદર, પૂર્વ મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજયપાલશ્રી વજુભાઇ વાળા, મુખ્‍ય સચિવશ્રી પંકજકુમાર,  કલેકટરશ્રી અરુણ મહેશ બાબુ,  જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી પ્રાંત અધિકારીશ્રી કે.ટી.બાટી, રેન્‍જ આઇ.જી.શ્રી સંદીપ સિંઘ, પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ, પટેલ સેવાસમાજ ટ્રસ્‍ટના પ્રમુખ બાબુભાઈ અસલાલિયા, ટ્રસ્‍ટીશ્રી પરેશભાઈ ગજેરા, વિવિધ સંપ્રદાયોના સંતો-મહંતો વગેરે મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા

 

(3:33 pm IST)