Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

જુનાગઢ કોર્પોરેશનમાં દારૂની બોટલ પ્રકરણમાં પટાવાળાની પૂછપરછ : બદનામ કરવાનું કાવત્રુ ગણાવતા મેયર-કમિશનર

જુનાગઢ, તા. ર૯ : જુનાગઢ મનપાના દારૂ બોટલ પ્રકરણમાં પોલીસે પ્યુનની લાંબી પૂછપરછ કરી મૂળ સુધી પહોંચવા કવાયત આદરી છે.

જુનાગઢ મહાનગરપાલિકામાં ગઇકાલે મેયરની ચેમ્બરથી ૧૦૦ મીટરના અંતરે લોબીમાં પડેલી ડસ્ટબીનમાં દારૂની ખાલી બે બોટલ જોવા મળતા પૂર્વ મહિલા કોર્પોરેટરના પતિ ધર્મેશ પરમારે પોલીસને જાણ કરી હતી.

આ અંગેની જાણ થતાં મેયર ધીરૂભાઇ ગોહેલે તુરંત એસ.પી. સૌરભસિંઘને વાકેફ કરતા તેઓની સુચનાથી તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.

મેયરશ્રી ધીરૂભાઇ ગોહેલે જણાવેલ કે, કોર્પોરેશનને માત્રને માત્ર બદનામ કરવાનું કાવત્રુ છે. મનપા કચેરીમાં કોઇ ગેરકાનૂની પ્રક્રિયા શકય જ નથી.

દરમ્યાન એસપી સૌરભસિંઘની સુચનાથી બી-ડીવીઝનના પી.આઇ. આર.બી. સોલંકીના માર્ગદર્શન હેઠળ ડી-સ્ટાફના પી.એસ.આઇ. એ.કે.પરમારે તપાસ શરૂ કરીને મનપાની લોબીના સીસીટીવી ફુટેજ ચકાસતા તેમાં વોટર વર્કસ બ્રાંચના એક પ્યુન શરાબની ખાલી બે બોટલ સહિતનો કચરો ડસ્ટબીનમાં નાખતો જોવા મળ્યો હતો.

આથી આ પ્યુનની પોલીસે લાંબી અને કડક પૂછપરછ કરી હતી.

કમિશનર તુષાર સુમેરાએ સવારે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, આ પ્રકરણની તટસ્થ તપાસ કરાવવામાં આવી રહી છે. બાકી મનપાને બદનામ કરવા સિવાય કંઇ જણાતું નથી  કેમ કે બુધવારની રાત્રીના ત્રણ વાગ્યા સુધી કન્ટેન્મેન્ટ અને બફર ઝોન કામગીરી સબબ સીનીયર અધિકારી વગેરે મનપામાં કામગીરી પર હતા છતાં પોલીસ તપાસમાં જે કંઇ નીકળશે તે મુજબ આગળના પગલા લેવાશે તેમ શ્રી સુમેરાએ જણાવ્યું હતું.

બી-ડીવીઝનના ડી-સ્ટાફના પીએસઆઇ એ.કે.પરમારે સવારે અકિલા સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવેલ કે, મનપાની વોટર વર્કસ બ્રાંચના પટ્ટાવાળાની ગઇકાલે કલાકો સુધી આકરી પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તે કંઇ જાણતો ન હોવાનું જણાવેલ. આમ છતાં પટ્ટાવાળાની તમામ હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે.  ગઇકાલે મનપાના છ કર્મચારીના નિવેદન લેવાના હતા અને આજે પણ નિવેદનની કાર્યવાહી ચાલી રહી હોવાનું શ્રી પરમારે જણાવ્યું હતું.(

(1:10 pm IST)