Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

ગીર-સોમનાથ જિલ્લામાં વધુ ૩ દર્દીઓએ કોરોના પર મેળવ્યો વિજય

સુત્રાપાડા તાલુકાના ૨ અને તાલાળા તાલુકાનો ૧ દર્દી કોરોના મુકત થતા રજા અપાઈ

પ્રભાસ પાટણ, તા.૨૯:  સમગ્ર દેશમાં કોરોના વાઈરસના સંક્રમણના કારણે ચોથા તબક્કાનું લોકડાઉન અમલમાં છે. ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાયરસના દર્દીઓ સ્વસ્થ થઈ રહ્યા છે. સુત્રાપાડા તાલુકાના ૨ અને તાલાળા તાલુકાનો ૧ સહિત કુલ ૩ દર્દીઓને કોવીડ કેર સેન્ટર લીલાવંતી ભવન સોમનાથ ખાતેથી ડિસ્ચાર્જ કરાયા છે.સુત્રાપાડા તાલુકાના ઉંબરી ગામના રહેવાસી અનમોલબેન વાસુભાઈ બારડ (ઉ.વ.૨૩) અને મંજુલાબેન બચુભાઈ ગોહિલ (ઉ.વ.૨૪) ઉપરાંત તાલાળા તાલુકાના ચિત્રાવાડ ગામના રહેવાસી રહીમભાઈ બહાદુર સમનાની (ઉ.વ.૨૧) કોરોના વાયરસ પોઝીટીવ આવતા સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. આરોગ્ય શાખાના ડોકટર અને કર્મચારીઓ દ્રારા આ તમામ દર્દીઓની કાળજી પુર્વક સારવાર કરવામાં આવી હતી. તમામ દર્દીઓને કોરોના વાયરસ માંથી મુકિત મળતા આજે કોવીડ કેર સેન્ટર લીલાવંતી ભવન સોમનાથ ખાતેથી રજા આપવામાં આવી હતી. તેઓને ૧૪ દિવસ માટે હોમ કોરોન્ટાઈનમા રહેવા તેમજ સાવચેતી, સુરક્ષા અને આરોગ્યની સલામતી માટે જાણકારી આપવામાં આવી હતી.

(11:51 am IST)