Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

કચ્છમાં નાના ધંધાર્થીઓઃ ખાનગી નોકરિયાતોની આર્થિક મુશ્કેલીમાં પ્રાણ ફૂંકશે રાજકોટ નાગરિક બેંક

'સપ્તાહમાં આત્મનિર્ભર' લોન માટેનું ધિરાણ શરૃઃ નાના લોકોની મોટી બેંકનો સંકલ્પ સાકારઃદિલીપ ત્રિવેદી

ભુજ,તા.૨૯: કોરોનાની મહામારી અને લોકડાઉન દરમ્યાન કચ્છમાં ઠપ્પ થયેલા આર્થિક વ્યવહારોમાં પ્રાણ ફૂંકવા રાજકોટ નાગરિક બેંક સજ્જ છે. કચ્છના મુખ્ય શહેરો ભુજ અને ગાંધીધામની શાખાઓના બેંકના ચેરમેન દિલીપ ત્રિવેદી અને સુરેશ નાહટાએ 'અકિલા'ને જણાવ્યું હતું કે,ઙ્ગ અત્યાર સુધીમાં લોન માટેના ૧૧૦૦ ફોર્મનું વિતરણ કરાયું છે. લોન માટેની અરજીઓ આવવાનું શરૂ થઈ ગયું છે.

બેંક દ્વારા કચ્છમાં જુનના પ્રથમ અઠવાડિયાથી લોન આપવાનું શરૂ પણ કરી દેવાશે. ભુજ શાખાના ચેરમેન દિલીપ ત્રિવેદી કહે છે કે, નાનો મોટો વ્યવસાય અને ખાનગી નોકરી કરતા તમામ વર્ગના લોકોને આવરી લેવાનું વિશેષ આયોજન રાજકોટ નાગરિક બેંક દ્વારા ઘડી કાઢવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈએ લોકોની મુશ્કેલીઓને સમજીને સંવેદના સાથે 'આત્મનિર્ભર' યોજના તૈયાર કરી છે એ હાર્દને સાકાર કરવા રાજકોટ નાગરિક બેંકે ઉદાર નીતિ સાથે કોઈ પણ નાનો મોટો વ્યવસાય કરનાર લોકોની સાથે ખાનગી નોકરી કરનારાઓને પચીસ હજારથી માંડીને એક લાખ રૂપિયા સુધીની લોન આપશે. તો વધુ છૂટછાટ દ્વારા એક જ પરિવારમાં અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલા ચાર વ્યકિતઓને પણ અલગ અલગ લોન અપાશે.

જોકે, લોન લેનારે આ માટે બેંક દ્વારા નક્કી કરાયેલ સામાન્ય શરતોનું પાલન કરવું પડશે. બેંક દ્વારા પાન પાર્લર, છકડા ચાલકો, ગૃહ ઉઘોગ કરનાર મહિલાઓ, ખાનગી નોકરિયાતો સહિત નાનામાં નાના વર્ગને આર્થિક પગભર કરી શકાય એ હેતુ સાથે આત્મનિર્ભર લોન અપાશે. સરકાર દ્વારા આત્મનિર્ભર લોન લેનારાઓનું એક પોર્ટલ તૈયાર કરાશે, જેના માધ્યમથી દર ત્રણ મહિને ૬ %વ્યાજ લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. પરિણામે, લાભાર્થીને માત્ર ૨ % મામુલી વ્યાજે રૂપિયા મળશે. ધારાશાસ્ત્રી અને બેંકના ભુજ શાખાના ચેરમેન દિલીપ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સરેરાશ મહિને ૩૫૦૦ ના માસિક હપ્તા સાથે ત્રણ વર્ષેઙ્ગ લોન ધારકને ૧ લાખ રૂપિયા સામે માત્ર ૫ હજાર રૂપિયા જ વધુ (કુલ એક લાખ પાંચ હજાર) ચૂકવવા પડશે.

આમ, વધારાના વ્યાજના બોજ વગર લાભાર્થી આ નાણાકીય રકમનો ઉપયોગ આર્થિક પગભર થવા માટે કરી શકશે. રિઝર્વ બેંકના નિયમ પાલન સાથે લાભાર્થી સમયસર ગંભીરતા પૂર્વક લોન ભરે તે હેતુ થી રાજકોટ નાગરિક બેંક લાભાર્થીએ પોતાની જમીન, મકાન કે દુકાન સહિતની કોઈ પણ એક સ્થાવર મિલકત અંગેની માહિતી ફોર્મમાં આપવી પડશે. કોઈ પણ પ્રકારની મિલકત બેંક દ્વારા મોરગેજ કરાશે નહીં એવી સ્પષ્ટતા કરતા દિલીપભાઈએ જણાવ્યું હતું કે, મિલકત વિશે માત્ર સાદા ફોર્મમાં માહિતી જ આપવાની રહેશે.

જામીન વગર જ લોન અપાશે, જેના હપ્તા છ મહિના પછી શરૂ કરાશે. સમયસર લોનના હપ્તા ભરનારને સરકારની ૬ % વ્યાજ સહાયનો લાભ મળશે, સમયસર હપ્તા નહીં ભરનારાઓ માટે સરકાર દર ત્રણ મહિને બેંક ખાતામાં વ્યાજની રકમ જમા નહીં કરે, પરિણામે આ લોનનું વ્યાજ તેમના માટે ૮ %થશે. રાજકોટ નાગરિક બેંકની કચ્છની શાખાઓ દ્વારા નાના ધંધાર્થીઓને બેઠા કરવા માટે દૈનિક કલેકશનની પણ વ્યવસ્થા કરવાનું આયોજન કરાયું છે. જેનાથી ખાણીપીણીની લારીઓ વાળા કે રીક્ષા છકડા વાળાઓ પોતાની રોજની કમાણીમાંથી રોજે રોજ ૧૦૦ રૂપિયાની આસપાસનો નાની રકમનો હપ્તો ભરી શકશે. એકંદરે બેંકનો હેતુ સ્થાપક અરવિંદભાઈ મણિયારના સંકલ્પ અનુસાર 'નાના માણસોની મોટી બેંક' ના સૂત્ર અનુસાર સામાન્ય પરિવારોની આર્થિક મુશ્કેલીઓમાં પ્રાણ ફૂંકવાનો છે.

(11:28 am IST)