Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

ભાવનગર સતત ત્રીજે દિ' અગનગોળોઃ ૪૪.ર ડીગ્રી

મહત્તમ તાપમાનમાં સતત વધારાથી લોકો પરસેવે રેબઝેબઃ રાજયના ૧૦ શહેરોમાં મહત્તમ તાપમાન ગઇકાલે ૪૦ ડીગ્રીને પાર રહ્યુ

રાજકોટ તા. ર૯ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહ્ય ઉકળાટથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે અને મહત્તમ તાપમાનનો પારો સતત વધી રહ્યો છે જેના  કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

સવારના સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ બફારો વધવા લાગે છે અને જેમ જેમ  દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમીના અસર ખૂબ જ વધવા લાગે છે.

ગઇકાલે રાજયમાં ૧૦ શહેરોમાં મહત્તમ તાપમાન ૪૦ ડીગ્રીને પાર રહયુ હતું જયારે ભાવનગરમાં સતત ત્રીજા દિવસે મહત્તમ તાપમાનનો પારો ૪૪ ડીગ્રી ઉપ રહ્યો હતો. ગઇકાલે ભાવનગરનું મહત્તમ તાપમાન ૪૪.ર ડીગ્રી રહ્યુ હતું.

સતત તાપમાનમાં વધારો થતા લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની આગાહીને પગલે ગુરૂવારે ૪૪.ર ડીગ્રી સાથે ભાવેણા ભઠ્ઠીમાં પલટાઇ ગયું હતું. જેના પગલ ભાવનગર રાજયમાં સૌથી ધગધગતું શહેર બની રહ્યું હતું. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના પાંચ શહેરોના તાપમાનનો પારો ૪૧ ડીગ્રીને પાર થઇ ગયો હતો. બીજી બાજુ આગામી ચાર દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટછવાયા ઝાપટા વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની આગાહી વચ્ચે ગુરૂવારે સૌરાષ્ટ્ર-કચ્છના પાંચ શહેરોમાં તાપમાનનો પારો ૪૧ ડીગ્રીને પાર થઇ ગયો હતો. જયારે ભાવનગરમાં ગરમીનો પારો ૪૪.ર ડીગ્રીને આંબી ગયો હતો.

લોકડાઉનની છૂટછાટ વચ્ચે આભમાંથી વરસેલી અગનવર્ષાને કારણે બપોરના સમયે મહાનગરોના રાજમાર્ગો સૂમસામ બની ગયા હતાં. બીજી બાજુ ભાવનગર સહિત રાજયના કેટલાક ભાગમાં ચાર દિવસ કમોસમી વરસાદની વકી હવામાન વિભાગે વ્યકત કરી છે. દરમિયાન ર૯ મેથી ૧ જુન સુધીના ચાર દિવસમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ર૯ મે ના વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટા છવાયા ઝાપટા પડશે. ૩૦ મે થી ૧ જૂન સુધીમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ તેમજ કચ્છમાં માવઠુ થવાની સંભાવનાઓ છે.

ભાવનગર

ભાવનગર :.. ભાવનગરમાં ૪૪.ર ડીગ્રી સાથે સતત ત્રીજા દિવસે પણ રાજયનું હોટેસ્ટ સીટીમાં 'ટોપ પર રહ્યુ છે.' આભ માંથી રીતસર અંગારા વરસતા હોય તેમ ગ્રીષ્મની ગરમીનો અનુભવ ભાવનગરવાસીઓએ કર્યો છે.

સતત ત્રીજા દિવસે પણ ભાવનગર રાજયનું ગરમ શહેર બની રહયુ છે. સવારથી જ સૂર્યનારાયણ આકરા મિજાજમાં હોય તેમ આકાશમાંથી અગનગોળા વરસવાનાં શરૂ થયા હતાં. કાતીલ ગરમીના કારણે માંડ માંડ પાટે ચડી રહેલા જનજીવનને થંભાવી દીધું હતું. બપોરે ૩૪ કિ. મી. ની ઝડપે ગરમ લૂ ફુંકાતા જાણે કુદરતી હીટર શરૂ કરી દેવાયું હોય તેવી વરાપ ફેંકાતી હતી.

ભાવનગરનું મહત્તમ તાપમાન ૪૪.ર ડીગ્રી અને લઘુતમ તાપમાન ર૯.૦ ડીગ્રી નોંધાયું હતું. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પ૦% અને પવનની ઝડપ ૩૪ કિ. મી. પ્રતિ કલાકની રહેવા પામી હતી.

કયાં કેટલુ તાપમાન

શહેર

તાપમાન

અમદાવાદ

૪૩.૨

ડીસા

૪૧.૮

વડોદરા

૪૧

સુરત

૩૪

રાજકોટ

૪૨.૧

કેશોદ

૩૭

ભાવનગર

૪૪.૨

પોરબંદર

૩૫.૧

વેરાવળ

૩૪.૪

દ્વારકા

૩૨.૩

ઓખા

૩૩.૩

ભુજ

૩૮.૬

નલિયા

૩૫.૬

સુરેન્દ્રનગર

૪૨.૧

નવી કંડલા

૩૯.૩

કંડલા (એરપોર્ટ)

૪૧.૪

અમરેલી

૪૧

ગાંધીનગર

૪૩

મહુવા

૩૫.૬

દીવ

૩૪.૮

વી.વી.નગર

૪૧.૯

(11:27 am IST)