Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

રામગઢ ગામના ખાતેદાર ખેડુતના વારસદારને અકસ્માત વિમા સહાયનો રૂ.૫૦,૦૦૦નો ચેક અર્પણ

સાવરકુંડલાઃ તાલુકાના રામગઢ ગામના ખાતેદાર ખેડુત બોરડ લલ્લુભાઇ છગનભાઇનું અકસ્માતે અવસાન થતા તેમના વારસદાર ચંપાબેનને સાવરકુંડલા માર્કેટયાર્ડ દ્વારા લેવામાં આવેલ વિમા પોલીસી અંતર્ગત રૂ.૫૦,૦૦૦ ની અકસ્માત સહાયનો ચેક યાર્ડના ચેરમેન દિપકભાઇ માલાણી, વા.ચેરમેન મનજીબાપા તળાવીયા તથા સેકેટરી આર.વી.રાદડીયાના હસ્તે અર્પણ કરવામાં આવ્યો. આ પ્રસંગે તેમની સાથે યાર્ડના કર્મચારી વિનોદભાઇ અગ્રાવત, તથા સતીષભાઇ મહેતા, તેમજ ગામના સરપંચશ્રીના પ્રતીનીધી ભાભલુભાઇ, પુનાભાઇ કથીરીયા, ભોળાભાઇ બોરડ, નનુભાઇ બોરડ, દેવશીભાઇ, મનસુખભાઇ, કનુભાઇ, વીનુભાઇ મગનભાઇ, રમેશભાઇ બોરડ, જેરામભાઇ, અર્જુનબાપુ સહીત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ પ્રસંગે ઉપસ્થિત ૫૦ જેટલા ગ્રામજનો તરફથી રજુઆત આવેલ કે રામગઢ ગામમાં પીવાના પાણીની તીવ્ર તંગી હોય, ગામતળમાં પાણી નથી. ગામની બહેન/દિકરીઓને સીમ-વગડામાંથી બેડા મારફત પાણી લાવવુ પડે છે. આ ગામને સાકરપરા સમ્પમાંથી બે-ત્રણ દિવસે પાણી આપવામાં આવે છે. પરંતુ પાણીનો પ્રવાહ અવળો હોવાના કારણે વારંવાર લાઇન ફોલ્ટ થાય છે. પુરતા દબાણથી પાણી આવતુ નથી. જેથી લોકો અને પશુઓને પુરતા પ્રમાણમાં પાણી મળતુ નથી. જેથી ગામલોકોની માગણી છે કે આ ગામને વિજયાનગર સમ્પમાંથી પાણી આપવામાં આવે તો ગ્રેવીટીથી પાણી મળી શકે તેમ છે. વિજયાનગર ૪ કી.મી. અને નવી પાઇપલાઇન નાખી વિજયાનગર સમ્પમાંથી પાણી આપવા ગામલોકોએ માંગણી કરી છે.

તેમજ બીજી રજુઆત રામગઢ અને જાબાળ ગામ વચ્ચે ૩ કી.મી.રસ્તો બનાવવા બાબતે આવેલ હતી તે મુજબ જો આ રસ્તો બનાવવામાં આવે તો બે સ્ટેટ હાઇવે સાવરકુંડલા-મહુવા સ્ટેટ હાઇવે અને સાવરકુંડલા-રાજુલા સ્ટેટ હાઇવે જોડતો ટુકો રસ્તો મળી શકે તેમ છે. આ રસ્તો મંજુર થયેલ છે. પરંતુ તેમનું કામ શરૂ થયેલ નથી. તો રસ્તાનું કામ તાત્કાલીક શરૂ થાય તેવી લોકમાંગણી ઉઠી હતી. આ બન્ને પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે યાર્ડના ચેરમેન દિપકભાઇ માલાણી અને વા.ચેરમેન મનજીબાપા તળાવીયાએ યોગ્ય જગ્યાએ રજુઆત કરવા ખાત્રી આપી હતી. તેમ સતીષ મહેતાની યાદી જણાવે છે. (તસ્વીરઃ અહેવાલઃ ઇકબાલ ગોરી-સાવરકુંડલા)

(1:25 pm IST)