Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

મોરબીના ઉંચી માંડલમાં દર્દીઓના જીંદગી સાથે ચેડા કરતો બોગસ તબીબ પકડાયો

મેહુલ બોસમીયા કોઇ ડીગ્રી વગર કલીનીક ચલાવતો'તો : મોરબી એસઓજીનો દરોડો

મોરબી, તા. ર૯ : મોરબી તાલુકાના ઉંચી માંડલથી તળાવીયા શનાળા ગામ તરફ જતા શિવ કલીનીક નામનું દવાખાનું ચલાવતા બોગસ ડોકટરને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી લીધો હતો.

મળતી વિગતો મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન અને મોરબી એસ.ઓ.જી. પી.આઇ. એસ.એન. સાટીની સુચનાથી એસ.ઓ.જી. ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન તબીબી અધિકારી વર્ગ-ર હાલ ચાર્જ ખરેડાના ડો. વત્સલ દિનેશભાઇ મેરજાને સાથે રાખી મોરબી તાલુકાના ઉંચી માંડલથી તળાવીયા-શનાળા ગામ તરફ જતા રોડ પર શિવ કલીનીક નામના દવાખાનામાં તપાસ કરતા કોઇપણ પ્રકારના સર્ટીફીકેટ વગર કે મેડીકલ ડીગ્રી વગર આરોપી મેહુલ રતિલાલ બોસમીયા રહે. મૂળ રવિનગર અમરેલી, હાલ ઉંચી માંડલ વાળો શિવ કલીનીક નામે દવાખાનુ ચલાવી પ્રેકટીસ કરી સારવાર માટે આવતા બીમાર દર્દીઓને દવાઓ આપી તેમજ દવાખાનામાં દવાનો જથ્થો તથા સાધનો કિંમત રૂ. ૭૬૭ સાથે મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડીને મેડીકલ પ્રેકટીશનર એકટ ૩૦,૩૩ મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એસ.ઓ.જી. ટીમની આ સફળ કામગીરીમાં એસ.ઓ.જી. પી.આઇ. એસ.એન. સાટી, શંકરભાઇ ડોડીયા, જયપાલસિંહ ઝાલા, મયુરધ્વજસિંહ જાડેજા અને વિજયભાઇ ખીમાણીયાએ કરેલ છે.

(1:21 pm IST)