Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

આમરણ : વર્ષો જૂની ખંભાળીયા-મોરબી એસ.ટી. બસ પુનઃ ચાલુ કરવા માંગણી

આમરણ, તા. ર૯ : જામખંભાળીયા એસ.ટી. ડેપો દ્વારા વર્ષો જુની ખંભાળીયા-મોરબી વાયા જોડીયા આમરણ રૂટની બસ સ્ટાફના અભાવે એકાએક બંધ કરી દેવામાં આવતા પ્રજામાં રોષની લાગણી ફેલાઇ છે. કાયમી ભરચક્ક ટ્રાફીકવાળી બસ બંધ કરી દેવામાં આવતા પ્રજા હાલાકીનો સામનો કરી રહી છે.

ખંભાળીયા ડેપો પરથી બપોરે ૧-૪પ કલાકે ઉપડતી આ બસ આમરણથી મોરબી તરફ જવાની સાંજની છેલ્લી અને મોરબીથી આમરણ તરફ આવવાની સવારની પ્રથમ અગત્યની બસ છે.

એસ.ટી. તંત્ર દ્વારા જોડીયા-આમરણ ચોવીસી પંથકની જનતાને હંમેશા અન્યાય થતો રહ્યો છે. આ અગાઉ પણ ધ્રાંગધ્રા-જામખંભાળીયા, મોરબી-જામનગર વગેરે જેવા વર્ષો જુના ભરચક્ક ટ્રાફિકવાળા બસ રૂટો બંધ કરી દઇ પ્રજાકીય સેવાઓ ખૂંચવી લેવાઇ છે. વિના કારણ આડેધડ બંધ કરાતી બસોને કારણે પ્રજા પરેશાની ભોગવી રહી છે.

હાલ મોરબીથી વ્હેલી સવારે અને રાત્રે આમરણ તરફ આવવાની એક પણ બસની સુવિધા નથી. મોરબીથી વ્હેલી સવારે ૬ કલાકે અને રાત્રીના ૮ કલાકે બસ સુવિધા આપવી જરૂરી છે.

જનતાને કોઇપણ જાણકારી કે સ્પષ્ટતા વગર બંધ કરવામાં આવેલ. ખંભાળીયા-મોરબી બસ તાકીદે ચાલુ કરવા ઘટતી કાર્યવાહી થવા બાબતે આમરણ ગ્રા.પં. સહિત આજુબાજુની ગ્રામ પંચાયતો દ્વારા વિભાગીય નિયામક એસ.ટી. જામનગરને પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે.

(11:39 am IST)