Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

થાનગઢમાં ગૌમાતાએ પોતાના પ્રાણ આપીને બાળકનો જીવ બચાવ્યો

તસ્વીરમાં મૃતક ગાયમાતા તથા ઇજાગ્રસ્ત બાળક નજરે પડે છે.(તસ્વીરઃ ફઝલ ચૌહાણ.વઢવાણ)

વઢવાણ, તા.૨૯: પશુ પણ જીવ દયા પ્રેમી હોય છે તેવુ સાબિત કરતી ઘટના સુરેન્દ્રનગર જીલ્લાનાં થાનગઢમાં બની છે.

થાનગઢની જયઅંબે સોસાયટી વિસ્તારમાં મંગળવારે સવારે પસાર થતી હેવી વીજ લાઇનની નીચે બાળક પસાર થઇ રહ્યો હતો. એ દરમિયાન પાછળ આવતી ગાયને જીવતો વીજ વાયર તૂટવાનો અણસાર મળતો હોય તેમ આગળ જઇ રહેલ બાળકને ગોથુ મારીને દૂર હડસેલીને તેનો જીવ બચાવી લીધો હતો. પરંતુ હેવી વીજ લાઇનના જીવતા વાયરે ગાયના પ્રાણ  લઇ લીધા છે. આમ, ઘોર કળીયુગમાં ગાયમાતાએ પોતાના પ્રાણની આહુતી આપી બાળકનો જીવ બચાવીલીધો હોવાનો કિસ્સો ઉજાગર થવા પામ્યો છે.

થાનગઢની જયઅંબે સોસાયટીમાં મંગળવારે સવારે હેવી વીજ લાઇન પોલનો જીવતો વીજ વાયર તૂટે તે પહેલા એક ગાયે મયુર વિરજીભાઇ (ઉ.વ.આ.૧૦)ને ગોથુ મારી બાળકનો જીવ બચાવી લીધો છે. પરંતુ હેવી લાઇનના જીવતા વીજ વાયરે બાળકનો જીવ બચાવનાર ગાય માતાના પ્રાણ હરી લીધા છે અચાનક બનેલી આ ઘટનાનાં પગલે રાહદારીઓ અને રહીશોનું ટોળુ કૂતૂહલવશ એકઠુ થઇ ગયુ હતું.

મયુરના પિતા વીરજીભાઇએ જણાવ્યુ હતુ કે, ગાયે મારા બાળકને ગોથ મારીને દૂર હડસેલી દીધો ન હોત તો તેનુ જીવતા મુખ જોવા ન મળત, ગાયે પોતાનો પ્રાણ આપીને મારા બાળકના પ્રાણ બચાવી લીધા છે. મૃત્યુ પામેલ ગાય માતા ગાભણી હોવાનું ખુલવા પામ્યુ છે.

(11:36 am IST)