Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

ગીર નેશનલ પાર્કમાં શિંગોડા ડેમ ઉંડો ઉતારવા મુદ્દે હાઇકોર્ટ દ્વારા રાજ્‍ય સરકારને નોટીસ : ૧૮ જૂને રિપોર્ટ રજુ કરવા આદેશ

અમદાવાદ તા. ૨૯ : ગીર નેશનલ પાર્કમાં શિંગોડા ડેમ ઊંડો કરવાંના મામલે સરકારને ગુજરાત હાઇકોર્ટે નોટિસ ફટકારી છે અને ૧૮મી જૂને અહેવાલ રજૂ કરવા આદેશ આપ્‍યો છે સરકાર દ્વારા ગીર નેશનલ પાર્કમાં આવેલા શિંગોડા ડેમને ઉંડો કરવાની ચાલી રહેલી કામગીરી સામે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી પબ્‍લિક ઇન્‍ટરેસ્‍ટ લિટિગેશન (PIL) એટલે કે જાહેર હિતની અરજી સંદર્ભે ગુજરાત હાઇકોર્ટેસરકારને નોટિસ ઇસ્‍યુ કરી છે

ગુજરાત હાઇકોર્ટે સરકાર પાસે આ અંગે અહેવાલ માંગ્‍યો છે કે, ગીર નેશનલ પાર્કમાં આવેલા શિંગોડા ડેમ ઉંડો કરવાની પ્રક્રિયાથી નેશનલ પાર્કમાં આવેલા વન્‍ય-પ્રાણી અને જૈવિક સંપદા (ફલોરા એન્‍ડ ફોના)ને કોઇ નુકસાન થયુ છે કે નહીં ? એ અંગે અહેવાલ રજૂ કરો.

આ ઉપરાંત ગુજરાત હાઇકોર્ટે સરકાર પાસે એ પણ એહવાલ માંગ્‍યો છે કે, આ કામિગીરી માટે વાઇલ્‍ડ લાઇફ પ્રોટેક્‍શન એક્‍ટ (૧૯૭૨)ની કલમ ૩૫ (૬)નો ભંગ થયો છે કે નહીં ? તે પણ જણાવો.ᅠᅠ

રાજકોટનાં રહેવાસી શૈલેન્‍દ્રસિંહ જાડેજાએ ગીર નેશનલ પાર્કમાં આવેલા શિંગોડા ડેમ ઉંડો કરવા મામલે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી.

આ જાહેર હિતની અરજીમાં અરજદારે રજૂઆત કરી હતી કે, શિંગોડા ડેમ ગીર નેશનલ પાર્કમાં આવેલો છે અને શિંગોડા ડેમને ઉંડો કરવાની કામગીરીથી એશિયાટીક સિંહો, મગરો જેવાં વિવિધ વન્‍ય-પ્રાણીઓનાં રહેઠાણોને મોટું નુકશાન થશે. કેમ કે, ડેમને ઉંડો ઉતારવાની કામગીરી માટે ટ્રેક્‍ટરો અને જીસીબી મશીનો નેશનલ પાર્કમાં અંદર પ્રવેશ કરી રહ્યાં છે. આ કામગીરીમાં વાઇલ્‍ડ લાઇફ પ્રોટેક્‍શન એક્‍ટ (૧૯૭૨)ની જોગવાઇનો ભંગ થાય છે અને આ કામગીરી કરતા પહેલા કાયદમાં જણાવેલી જરૂરી પ્રક્રિયાને અનુસરવામાં આવી નથી. આથી અરજદારે દાદ માંગી હતી કે, સરકારના જે વિભાગ દ્વારા શિંગોડા ડેમને ઉંડો કરવા માટે મંજુરી આપવામાં આવી છે તેને રદ કરવામાં આવે અને તાત્‍કાલિક ધોરણે આ કામ બંધ કરવામાં આવે.

ᅠᅠ જાહેર હિતની અરજીમાં અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે, શિંગોડા ડેમને ઉંડો કરવાની કામગીરી માટે વાઇલ્‍ડલાઇફ પ્રોટકેશન એક્‍ટ(૧૯૭૨)ની જોગવાઇઓ મુજબ જે ઓથોરિટીની મંજુરી લેવાની હોય છે તે લેવામાં આવી નથી.

વળી,કાયદાની જોગવાઇ મુજબ નેશનલ પાર્કમાં આવેલા શિંગોડા ડેમને ઉંડો કરવાની પરવાગની માત્ર રાજયનાં ચિફ વાઇલ્‍ડલાઇફ વોર્ડન જ આપી શકે છે. વાઇલ્‍ડલાઇફ પ્રોટેકશન એકટ (૧૯૭૨)મુજબ, નેશનલ પાર્કમાં આવેલા ડેમને ઉંડો કરવાની પરવાનગી આપવાની સત્તા કલેક્‍ટર પાસે નથી. શિંગોડા ડેમને ઉંડો ઉતારવાની કામગીરીને કારણે સિંહો, મગરો અને અન્‍ય વન્‍ય-પ્રાણીઓનાં રહેઠાણને નુકશાન થઇ રહ્યું છે. કાયદાની જોગવાઇ મુજબ, કોઇ પણ વ્‍યક્‍તિ નેશનલ પાર્કમાં આવેલા વન્‍ય-પ્રાણીઓ, જંગલ પેદાશોને નુકશાન કરી શકે નહીં કે તેને દૂર કરી શકે નહીં. જો આ કામ કરવું હોય તો રાજયના ચિફ વાઇલ્‍ડલાઇફ વોર્ડનની પૂર્વમંજુરી ફરજિયાત છે.

અત્રેએ નોંધવું રહ્યું કે, ગીરમાં સિંહોનાં વધી રહેલા અકુદરતી મૃત્‍યુને લઇને તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટે પણ ચિંતા વ્‍યક્‍ત કરી હતી અને થોડા દિવસો પહેલા જ સુઓમોટો પિટીશન દાખલ કરી હતી. છેલ્લા બે વર્ષમાં ગીરમાં ૧૮૪ સિંહો મૃત્‍યુ પામ્‍યા છે. ૧૮૪ સિંહોના મૃત્‍યુમાંથી ૩૨ સિંહોના મૃત્‍યુ અકુદરતી રીતે થયા છે. ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં સરકારે સિંહોના અકુદરતી મૃત્‍યુનો સ્‍વીકાર કર્યો હતો. ૨૦૧૫માં થયેલી સિંહોની ગણતરી મુજબ, ગીરમાં કુલ ૫૨૩ સિંહો છે. ગીર જંગલમાં ખલેલ વધવા સહિત અનેક કારણોસર સિંહો અભ્‍યારણ્‍યમાંથી બહાર જઇ રહ્યા છે.

(1:26 pm IST)