Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

સર્વોત્તમ ડેરીની વિકાસ કૂચ થકી ભાવનગર જીલ્લામાં બહેનો પગભર થશે : ભારતીબેન શિયાળ

મહિલા માર્ગદર્શન શિબિર યોજાઇ

ભાવનગર તા. ૨૯ : ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. દ્વારા આયોજીત માર્ગદર્શન શિબિર અને દાણ ફેકટરી દર્શન કાર્યક્રમના ત્રીજા દિવસે મહેમાનો અને દૂધ ઉત્પાદકોનું સ્વાગત સંઘના જોઇન્ટ મેનેજીંગ ડીરેકટર એમ.પી.પંડયાએ કર્યુ હતુ. પોષણયુકત સર્વોતમ દાણના ઉપયોગથી વધુમાં વધુ દૂધ મેળવી પશુનું આરોગ્ય જાળવી પોતાના પરિવારનું ઉત્કૃષ્ટ આર્થિક સ્થાન ઉભુ કરનાર દૂધ ઉત્પાદક એવા ભડભીડ મહિલા દૂધ ઉત્પાદ સહકારી મંડળીના અમરભા જહાભાઇ ગઢવી તથા ફરીયાદકા મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી સંજયભાઇ ચંદ્રકાંતભાઇ પંડયાએ અનુભવ વર્ણવેલ. શિબિરમાં વેટરનરી ઓફીસર ડો.બલદાણીયાએ કૃત્રિમ બીજદાન દ્વારા ગીર ગાય અને જાફરાબાદી ભેંશથી દૂધ ઉત્પાદન વધારવુ જોઇએ તેમ જણાવ્યુ હતુ. ભારતીબેન શિયાળ, સિંહોર નગરપાલીકા પ્રમુખ દિપ્તીબેન ત્રિવેજી, તળાજા માર્કેટીંગ યાર્ડના ડાયરેકટર ધીરૂભાઇ શિયાળ, ડે.કલેકટર પ્રાંત અધિકારી શ્રી ઝણકાત, નિયામક મંડળના સભ્યો હાજર રહ્યા હતા. પ્રાંત અધિકારી શ્રી ઝણકાતે કહ્યુ કે, સારામાં સારૂ જીવન જીવવા માટે અર્થઉપાર્જન ખૂબ જ અગત્યની બાબત છે. આ શિબિર આવા જ પ્રયાસનો એક ભાગ છે. આપણા દેશમાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે ખૂબ જ તકો રહેલી છે. વૈજ્ઞાનિક ઢબે ઓછા ખર્ચે પશુપાલન કરીને વધુમાં વધુ દૂધ ઉત્પાદન મેળવી શકાય.

સંઘના મેનેજીંગ ડીરેકટરે જણાવ્યું કે, સભાસદોને દૂધના વ્યવસાય થકી કેવી રીતે સમગ્ર પરિવાર આર્થિક રીતે પગભર થઇ શકે અને ખેતીને બદલે વ્યવસાયને પ્રથમ પ્રાધાન્ય આપી ગ્રામ્ય વિસ્તારમાં જ સુખી થવાના ઉપાયો સુચવ્યા હતા. તેમના મતે ભાવનગર જિલ્લામાં દૂધ વ્યવસાય થકી ખૂબ જ વિશાળ તકો ઉભી થઇ શકે તેમ છે. દૂધનું ઉત્પાદન કઇ રીતે મળે અને સર્વોતમ દાણના ઉપયોગથી દૂધની કવોલીટી કઇ રીતે જળવાઇ અને તેનાથી આપણી નાણાકીય સ્થિતિ કઇ રીતે સુધરે   છે.

સાંસદ ભારતીબેન શિયાળે જણાવ્યું કે, ભાવનગર જિલ્લાના નહી પરંતુ દેશના લોકો માર્ગદર્શન લેવા માટે અહી આવે તેવી અપેક્ષાઓ છે. સરકારશ્રીની વિવિધ યોજનાઓ થકી આપણા જિલ્લાનો વધુમાં વધુ વિકાય થાય તે માટે કાર્યરત આ સંઘને વધુમાં વધુ પ્રગતી કરે તેના બહેનોનો સહકાર મહિલા દૂધ મંડળીઓ દ્વારા મળી રહે તે માટે શ્રી હરિભાઇ જોષી તથા પંડયાજીની ટીમને અભિનંદન આપેલ. સર્વોતમ ડેરીના આ કાર્યવાહકોએ આરંભેલી વિકાસકૂચ ખૂબ જ આગળ વધે અને તેના દ્વારા બહેનો પગભર બનશે અને તે થકી પોતાનો પરીવાર થકી સમાજ અને રાષ્ટ્ર વિકાસ કરી શકશે.

ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઇ પનોતે જણાવેલ કે ૨૦૦૧ થી આરંભાયેલી આ શ્વેતક્રાંતની યાત્રામાં સહકાર આપ્યા છે. તેના થકી સમગ્ર જિલ્લાના પશુપાલકો અને ખેડૂતોને નવી આશા જાગી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીએ આ દાણ ફેકટરીના ઉદઘાટન વખતે પશુઓને શુભકામનાઓ પાઠવેલ તેના થકી આગળ વધશે. દાણના ઉપયોગથી દૂધની ગુણવતા વધતા સર્વોત્તમ ડેરીની સ્થાપનાથી આજ સુધી કયારેય ફેડરેશનમાંથી આપણુ દૂધ રીજેકટ થયુ નથી તે ગૌરવની ઘટના છે.

૨૦૨૨ સુધીમાં દૂધનુ ઉત્પાદન અને તેના થકી  ત્રણ ગણો આર્થિક વિકાસ પશુપાલકોનો કરવો છે તેવી નેમ જાહેર કરી હતી. જેવી રીતે અમુલ પેટર્નથી ભારતનું નામ સમગ્ર વિશ્વમાં દૂધ ક્ષેત્રે રોશન છે. એવી જ રીતે સર્વોતમ ડેરીના તમામ પશુપાલકો દૂધના વ્યવસાયને વૈજ્ઞાનિક ઢબે વિકસાવશે તો આવતા દિવસોમાં જિલ્લાના તમામ ગામડાઓમાં લોકોનું જીવનધોરણ ખરા અર્થમાં સુધરશે. આભારવિધી સિનિયર મેનેજર ભરતભાઇ ખેરે કરી હતી.

(11:57 am IST)