Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

સૌરાષ્‍ટ્ર-કચ્‍છના લોકો પરસેવે રેબઝેબ

મહત્તમ તાપમાનનો પારો હજુય ૪૪ ડીગ્રીને પાર રહેતા બપોરે રસ્‍તાઓ સુમસામ

રાજકોટ, તા. ર૯ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર ધોમધખતા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે અને મહત્તમ તાપમાનનો પારો સતત ઉંચે પડતો જાય છે.

આ વાતાવરણ વચ્‍ચે ગઇકાલે અમદાવાદનું મહત્તમ તાપમાન રાજયમાં સૌથી ઉંચુ એટલે કે ૪૪.૧ ડીગ્રી નોંધાયું હતું જયારે અમરેલી અને ગાંધીનગરમાં ૪૪.૦, વડોદરા ૪૩.૭, ડીસા ૪૩.૬, વલ્લભ વિદ્યાનગર ૪૩.પ, સુરેન્‍દ્રનગર ૪૩.૩, કંડલા એરપોર્ટ ૪ર.પ, રાજકોટ ૪૧.૭, કંડલા ૪૧.૦, ભાવનગર ૪૦.૧, મહુવા (સુરત)  ૩૮.૮, દીવ ૩૮.૬ ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.

સૌરાષ્‍ટ્રમાં ઉનાળાની આકરી ગરમીના દિવસોનો છેલ્લો તબક્કો જનજીવનને ત્રસ્‍ત કરી રહ્યો છે. અમરેલીમાં કાળઝાળ ગરમી વચ્‍ચે તાપમાનનો પારો લોકો સહન ન કરી શકે એટલી ૪૪ ડીગ્રીએ પહોંચી ગયો હતો. સુરેન્‍દ્રનગર જિલ્લામાં પણ આકરી ગરમી વચ્‍ચે તાપમાનનો પારો ૪૩ ડીગ્રીએ સ્‍પર્શી ગયો હતો.

અરબી સમુદ્ર પર જે સિસ્‍ટમ્‍સ સક્રિય થઇ છે જેના કારણે સમયસર ચોમાસાના અણસાર વર્તાય છે. બીજી તરફ પ્રિ-મોન્‍સૂન એકિટવીટી સક્રિય થઇ છે અને ભેજના પ્રમાણમાં સતત વધારો થઇ રહ્યો છે તેથી લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે.

હવામાન વિભાગે ૧ જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ઝાપટાની શકયતા દર્શાવી છે. બીજી તરફ, સોમવારે પણ રાજયમાં કાળઝાળ ગરમી યથાવત રહી હતી અને ૪૪.૧ ડીગ્રી સાથે અમદાવાદ રાજયનું સૌથી હોટ શહેર બન્‍યું હતું.

નૈઋત્‍ય ચોમાસા માટે સાનુકુળ પરિસ્‍થિતિ સર્જાઇ રહી છે. અરબી સમુદ્રમાં પ્રિ-મોન્‍સૂન એકિટવીટી શરૂ થઇ ગઇ છે. રાજયના મોટા ભાગના વિસ્‍તારમાં હવામાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે. અમદાવાદમાં સોમવારે સવારે હવામાં ભેજનું પ્રમાણ ૭૧ ટકા અને સાંજે ર૯ ટકા રહ્યું હતું. ગરમીનો પારો ગઇકાલની સરખામણીએ સામાન્‍ય ઘટી ૪૪.૧ ડીગ્રી પર રહ્યો હતો. રાજયના અન્‍ય ભાગોમાં પારો ૪ર ડીગ્રીની આસપાસ રહ્યો હતો.

હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર, અરબી સમુદ્રમાં એક સિસ્‍ટમ્‍સ ઉભી થઇ છે. ભેજવાળા પવન ફૂંકાવાના શરૂ થઇ ગયા છે. જો સાનુラકૂળ પરિસ્‍થિતિ રહી તો આગામી ચાર દિવસમાં જ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડશે. જોકે સત્તાવાર રીતે ચોમાસુ ૧રથી ૧પ જૂન સુધીમાં બેસે તેવી શકયતા છે

 

(11:26 am IST)