Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

પોરબંદરમાં હોમ કવોરન્ટાઇન દર્દીઓને ઓકસીજન નહીં આપવાના નિર્ણય સામે રામદેવભાઇ મોઢવાડીયાનો રોષ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૯: શહરે અને જિલ્લાના હોમ-કવોરન્ટાઇન દર્દીઓને ઓકિસજન આપવાનું સરકારે બંધ કર્યું. જિલ્લામાં ઓકિસજનના પુરવઠામાં સરકારે મુકેલો ૧૦ ટકાનો કાપ સામે કોંગ્રેસ અગ્રણી રામદેવભાઇ મોઢવાડીયાએ રોષ વ્યકત કર્યો છે. રેમડેસિવિર અને ટોસીલીઝૂમેબ ઇન્જેકશનનો જથ્થો પણ પોરબંદરમાં ખલાસ થયો છે. તેમ રામદેવભાઇ મોઢવાડીયાએ જણાવેલ છે.

પ્રદેશ કોંગ્રેસના પુર્વ મંત્રીશ્રી રામદેવભાઇ મોઢવાડીયાએ જણાવ્યું કે, રાજય સરકારની સુચનાથી એમ્બ્યુલન્સને ઓકિસજનનો પુરવઠો આપવાની ઓકિસજન સપ્લાયરોને મનાઇ ફરમાવી દીધી હતી જેથી કરીને દર્દીઓ ઓકિસજન વાળા એમ્બ્યુલન્સના અભાવે મોતના મુખમાં ધકેલાય રહ્યાં છે. આ બાબતે રામદેવ મોઢવાડીયાએ જિલ્લા કલેકટરશ્રીને એમ્બ્યુલન્સોને તાત્કાલીક ધોરણે ઓકિસજનનો પુરવઠો ઉપલબ્ધ કરાવવા આક્રમક રજુઆતો કરી અને આંદોલનની ચીમકી આપી હતી.

રાજય સરકારે પોરબંદરને અપાતા ઓકિસજનના પુરવઠામાં ૧૦ ટકા કાપ મુકયો છે. જેને કારણે આજે હોમ-કવોરન્ટાઇન થઇને સારવાર લઇ રહેલા દર્દીઓને અત્યાર સુધી ઓકિસજન બાટલામાં ભરી આપતા હતા તે તમામ દર્દીઓ ઓકિસજનના અભાવે મૃત્યુ પામે તેવી સ્થિતિનું સર્જન સરકારે કર્યું છે. ભાવસિંહજી હોસ્પીટલ અને અન્ય ખાનગી દવાખાનામાં ઓકિસજન વાળા બેડ ખાલી ન હોય દર્દીઓએ જાતે ઓકિસજન સીલીન્ડર અને રેગ્યુલેટરની પોતાના ખર્ચે વ્યવસ્થા કરીને ઘરે સારવાર લઇ રહ્યા હતા. આ તમામ દર્દીઓના ઓકિસજન પુરવઠામાં કાપ મુકીને મોતના મુખમાં ધકેલવાનું કામ બેરહમીથી રાજય સરકાર કરી રહ્યા હોવાનું રામદેવ મોઢવાડીયાએ જણાવ્યું હતું અને રાજય સરકારને ચેતવણી આપી હતી કે હોમ-કવોરન્ટાઇન દર્દીઓને ઓકિસજનનો જથ્થો તાત્કાલીક ઉપલબ્ધ રાજય સરકાર નહીં કરે તો હોમ-કવોરન્ટાઇન દર્દીઓને લઇને કલેકટર કચેરીને ઘેરાવ કરવાની ફરજ પડશે એમ રામદેવ મોઢવાડીયાએ જણાવ્યું હતું.

કોરોના દર્દીઓની જીંદગી બચાવવા માટે મહત્વના એવા રેમડેસિવર ઇન્જેકશનનો જથ્થો ભાવસિંહજી હોસ્પીટલમાં ખલાસ થઇ ગયો છે. આજે પોરબંદરમાં રાજય સરકારે રેમડેસિવિર ઇન્જેકશનની વ્યવસ્થા ન કરી હોવાને કારણે દર્દીઓ મોતના મુખમાં ધકેલાય રહ્યાંો છે તેમ રામદેવભાઇ મોઢવાડીયાએ જણાવેલ છે.

(11:44 am IST)