Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

સરલાનાં ગોવિંદ ભગતની વિદાય

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૯: મુળી તાલુકાનાં સરલાનાં અને સેવાભાવી અને સેવાકાર્યથી જાણીતાં એવા ગોવિંદ ભગતની વિદાય થતાં સમગ્ર તાલુકામાં શોકમય વાતાવરણ ફેલાયું છે.

ગોવિંદભાઈ અમરશીભાઈ પટેલ ઉ.વ.૮૦ સરલામાં જ ૪૫ વર્ષ પહેલાં એક સિમેન્ટ પાઈપનું નાનું એવું કારખાનું ખોલી પોતાનાં ધંધાનું કાર્યક્ષેત્ર ચાલુ કરેલ પરંતુ સંતો મહંતો સ્વામીઓનાં સત્સંગ થકી તેઓ ધર્મકાર્યમાં જોડાયા અને નાનું એવું સિમેન્ટ પાઈપનું કામ ફેકટરીમાં ફેરવાયું અને તેની તમામ આવક લોકહિતના કામો માટે વાપરવાની નેમ લીધી અને ફેકટરીને જ આશ્રમમાં ફેરવી નાખી સેવાની અલખધુણીની શરૂઆત કરી અને પ્રથમ સ્વખર્ચે અન્નક્ષેત્ર ચાલુ કરેલ જે છેલ્લા ૪૦ વર્ષથી અવિરત ચાલુ છે.

તેઓ એ મુળી મહાજન પાંજરાપોળની ગાયો માટે પરિશ્રમ કરીને સરલા ગામેથી મોટું ફંડ એકત્રિત કરી ગાયો માટે સેવા સતત કરતાં રહ્યાં.

મુળી તાલુકાનાં સરલામાં સરકારની કોઈ યોજના ઓ વર્ષો પહેલા નહોતી ત્યારે સ્વખર્ચે વોટરવર્કસનું કામ કરી નળ કનેકશન દ્વારા ઘરેઘરે આ કામ પુર્ણ કરેલ હતું તેમનાં આશ્રમ ઉપર દરરોજ ૧૦૦ સાધુઓ અને ગરીબ લોકોને અન્નક્ષેત્રમાં ભોજન મળતું. જરૂરીયાતમંદ લોકોને દરવર્ષે કપડાં ,ચપ્પલ,સ્વેટર,છાલ,ધાબળા ઓનું વિતરણ કરી સેવા આપતા હતાં

સરલા ગામે વિધવા,વિધુર અશકત વૃધ્ધોને ઘરબેઠા ટીફીન સેવા સાથે છેલ્લા કેટલાક વર્ષોથી ભોજન કરાવતાં હતાં અને આશ્રમ ઉપર રખડતી રઝળતી ગાયો ને દરરોજ સવારે લીલો ચારો ની નીરણ કરી ગૌભકતી કરતાં હતાં અને અશકત નિરાધાર બિમાર વ્યકિતને કાયમી હોસ્પિટલમાં સારવાર હેઠળ સ્વખર્ચે સેવા નો લાભ લેતાં રહ્યાં છે સરલાનાં સ્મશાન ગૃહને પોતાના સહયોગ થકી નવિનીકરણ કરવામાં આવ્યું અને અનેક વૃક્ષોનું વાવેતર કરેલ જે હાલ બગીચો બની ચુકયો છે અને સ્મશાન ગૃહ તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરી પ્રથમ હરોળમાં આવે તે રીતે બનાવેલ છે. આ તમામ બાબતોની જાણકારી લઈ સનાતન ધર્મની એક જયોત પ્રજવલિત રાખનાર એવાં ગોવિંદ ભગતના આશ્રમે ૨૦૦૮માં જગદગુરૂ શંકરાચાર્ય રામાનંદાચાર્યની પધરામણી થઇ કાયમ સફેદ વસ્ત્રોમાં રહ્યાં એ પણ ખાદી અને વેજાનાં પણ કાર્ય કાયમ ભગવા વસ્ત્રોનું કરેલ માટે સરલા ગામે સફેદ વસ્ત્રો માં એક સંત ગુમાવ્યાનું દુઃખ છે તેઓ સ્વચ્છતાનાં કાયમ હિમાયતી રહ્યા અને સરલા ગામની તમામ શેરી રસ્તાઓને વર્ષમાં બે વખત તેઓ જાતે સાવરણો લઈ સાફ કરતાં અને ગામજનો પણ સાથે જોડાતાએ ક્રમ આજદિન સુધી ચાલું રહ્યો છે.

તેમનાં સંતાનોમાં પુત્રો નારાયણભાઈ અને નવિનભાઇ આ સેવાકીય કાર્ય ભગતની વસમી વિદાય પછી ચાલું રાખશે તેમ જગદીશભાઈ પટેલ એ જણાવ્યું હતું.

(11:42 am IST)