Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

મુહૂર્ત સાથે કોરોના માર્ગદર્શિકા પ્રથમ : એકની એક દીકરીના લગ્નમાં જ્યારે પિતાએ નાગરિક તરીકેની ફરજના કરાવ્યા દર્શન

કચ્છના સંપન્ન પરિવારના વરિષ્ઠ ધારાશાસ્ત્રી દર્શકભાઈ બૂચ પરિવારે માત્ર ૧૨ જણાની હાજરીમાં જ ઘરમાં જ કર્યું કન્યાદાન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૯ : અત્યારે કોરોનાની મહામારી વચ્ચે પણ લોકો પોતાને ત્યાં યોજાતા નાના મોટા શુભ પ્રસંગોએ, તો કયાંક કયાંક રાજકીય પક્ષો પણ સરકારી માર્ગદર્શિકાને કોરાણે મૂકીને છૂટછાટ સાથે કાર્યક્રમો યોજી કોરોના સંક્રમણ વધારવામાં નિમિત્ત બને છે. ત્યારે કચ્છના સંપન્ન પરિવારના એક વરિષ્ઠ ધારાશાસ્ત્રી દર્શકભાઈ કિશોરચંદ્ર બુચે મુહૂર્ત સાથે માર્ગદર્શિકા સાચવીને પોતાની એકની એક દીકરીના લગ્ન કરી નાગરિક તરીકેની ફરજને પ્રાધાન્ય આપી સમાજને પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે.

કચ્છના પૂર્વ મુખ્ય સરકારી વકીલ રહી ચૂકેલા ધારાશાસ્ત્રી દર્શકભાઇ બૂચે પોતાને ઘેર જ માત્ર ૧૨ જણાની હાજરીમાં પોતાની એકની એક દીકરી મુરલીનું કન્યાદાન કરી સાસરિયે વિદાય આપી હતી. તેમના પિતા અને ભુજના પૂર્વ નગરપતિ સ્વ. કિશોરચંદ્ર બૂચ કચ્છના જૂની પેઢીના અગ્રણી ધારાશાસ્ત્રી હતા. તો, સ્વર્ગીય માતા મૃદુલબેન બૂચ ઓલ ઇન્ડિયા રેડિયોના કાર્યક્રમોના જાણીતા સંચાલક હતા.

દર્શકભાઈ બૂચ સાથે તેમના પત્ની સ્મિતાબેન અને પુત્ર મલ્હાર પણ એડવોકેટ છે. પોતાના આ નિર્ણય માટે દર્શકભાઈ બૂચ વરરાજા પ્રતીક ઉપરાંત વેવાઈ જયેશભાઈ અને હિનાબેન અંતાણીને આ નિર્ણયમાં સહભાગી બનવાનો શ્રેય આપે છે.

(11:38 am IST)