Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

'કહેતા ભી દિવાના ઓર સુનતા ભી દિવાના'- કચ્છમાં સરકારી હોસ્પિ.માં ૧૧૬૫ બેડ ઉપલબ્ધ

હવે યુવા વયના દર્દીઓમાં મૃત્યુનું પ્રમાણ વધ્યું : વધુ ૧૦ મોત : ૧૮૩ નવા કેસ સાથે સારવાર લેતા ૨૧૩૧ દર્દીઓ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૯ : કચ્છ જિલ્લામાં કોરોનાના કહેર વચ્ચે તંત્ર આંકડાઓના ખેલમાં વ્યસ્ત છે, સરકારે આંખો મીંચી દીધી છે અને લોકોએ ચુંટેલા પ્રજાકીય પ્રતિનિધિઓ મૌન છે. કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે સમગ્ર કચ્છ જિલ્લામાં એક બેડ મળવું મુશ્કેલ છે, હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાઈનો લાગે છે, પણ કચ્છ જિલ્લાનું વહીવટીતંત્ર સત્ત્।ાવાર માહિતી આપતા કહે છે કે, સરકારી હોસ્પિટલોમાં હજીયે ૧૧૬૫ બેડ ખાલી છે.

જોકે, સરકારી હોય કે ખાનગી બન્ને હોસ્પિટલોમાં બેડ ઉપરાંત ઓકિસજન, વેન્ટિલેટર, ઇન્જેકશન ની તંગી છે. અત્યારે સાજા થનાર દર્દીઓ ઓછા છે તેની સામે પોઝિટિવ અને સારવાર લેનાર દર્દીઓ ખૂબ વધે છે. તો'યે જો બેડ ખાલી હોય તો એનો મતલબ એ થયો કે દર્દીઓના મોતનું પ્રમાણ વધે છે.

સરકારી વાયદા પ્રમાણે નવા બેડની સુવિધાઓ માત્ર આંગળીઓના વેઢે વધી છે. જોકે, આંકડાઓનો ખેલ દરરોજની કોવીડ યાદીઓમાં પણ જોવા મળી રહ્યો છે. સરકારી યાદી મુજબ વધુ ૧૦ મોત થયા છે, જયારે નવા ૧૮૩ દર્દીઓ સાથે સારવાર લેતાં દર્દીઓની સંખ્યા ૨૧૩૧ થઈ છે.

(10:19 am IST)