Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

કેશોદના ચકચારી તુવેરકાંડમાં આરોપીની દાત્રાણાની વાડીમાંથી પોલીસે 750 કટ્ટા તુવેરનો જથ્થો કર્યો જપ્ત

તુવેર પૈકીનો ૩૨૪૧ કટ્ટા નબળો માલ હોવાથી વેરહાઉસ સત્તાવાળાઓએ રિજેક્ટ કરતા કૌભાંડનો પર્દાફાશ

કેશોદના ચકચારી તુવેરકાંડમાં પોલીસે રવિવારે ફરાર આરોપી ભરત વઘાસીયાની દાત્રાણા ખાતેથી વાડીમાંથી પોલીસે ૭૫૦ કટ્ટા તુવેરનો જથ્થો કબ્જે કરી આરોપીઓની શોધખોળ આરંભી છે પુરવઠા તંત્ર આ જથ્થા પૈકીનો ૪૪૪ કટ્ટા અગાઉ રિજેક્ટ કર્યો હોવાનો દાવો કરે છે.પોલીસના જણાવ્યા પ્રમાણે તુવેરની પ્લાસ્ટીકની બેગ ઉપર મહારાષ્ટ્ર પુરવઠા નિગમના માર્કા અને લખાણ છે. તેથી આ કૌભાંડનું પગેરૂ મહારાષ્ટ્ર સુધી લંબાય તેવી શક્યતા છે. કદાચ આરોપી ભરત વઘાસીયા મહારાષ્ટ્રમાંથી તુવેર લાવી કેશોદમાં ટેકાના ભાવે ઘુસાડવા માગતો હશે

  ! કેશોદ માર્કેટીંગ યાર્ડમાં પુરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવે ખરીદાયેલી તુવેર પૈકીનો ૩૨૪૧ કટ્ટા નબળો માલ હોવાથી વેરહાઉસ સત્તાવાળાઓએ રિજેક્ટ કરતા કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આ અંગે પુરવઠા નિગમના મેનેજરએ ખરીદ ઈન્ચાર્જ, ગ્રેડર સહિત ૭ સામે છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી.

આ પ્રકરણમાં ત્રણ દિવસ પછી પણ પોલીસને આરોપીઓ હાથ લાગ્યા નથી. ત્યાં આજે કેશોદ ખેડૂત હિતરક્ષક સમિતિએ આરોપી ભરત વઘાસીયાની વાડીમાં જનતા રેડ પાડી ૭૫૦ કટ્ટા નબળી તુવેરદાળનો જથ્થો પકડી પોલીસને જાણ કરતા પોલીસે આ તુવેર કબ્જે કરી હતી. આ અંગે તપાસનીશ કેશોદ ડીવાય.એસ.પી. ગઢવીએ જણાવ્યું કે આ તુવેર ટેકાના ભાવે ખરીદાયેલ છે કે કેમ? તેની તપાસ કરાશે.

 પુરવઠા નિરીક્ષક જહાંગીર બ્લોચે જણાવેલ કે, દાત્રાણાનો ભરત વઘાસીયા ગત તા. ૧૫ એપ્રિલના ૪૪૪ કટ્ટા તુવેર અલગ-અલગ ખેડૂતના નામે કેશોદ ટેકાના ભાવે વેચવા આવેલ હતો પણ નબળી ગુણવતા અને ખેડૂતના નામે ઘુસાડવા ઈચ્છતો હોય તેથી તેની ખરીદી જ કરવામાં આવી નથી. તેથી આ જથ્થા સાથે પુરવઠા નિગમને કંઈ લેવા દેવા નથી.

જો કે આ સમગ્ર પ્રકરણમાં આરોપીઓ ઝડપાયા બાદ જ સમગ્ર કૌભાંડ કેવી રીતે આચરવામાં આવેલ તેમાં કોની કોની ભૂંડી ભૂમિકા હતી. તે સહિતના મુદ્દા ઉપરથી પડદો હટશે. અત્યારે ટેકાના ભાવે ખરીદાતી તુવેરને સૌ શંકાના દાયરામાં જુએ છે. રાજ્ય પુરવઠા નિગમના ઉચ્ચ સતાવાળાઓએ ખાતાકીય તપાસ આરંભી છે પણ કશુ ઉકાળી શક્યા નથી. એટલું જ નહીં કેશોદ યાર્ડમાં રિજેક્ટ ૩૨૪૧ કટ્ટા તુવેરનો જથ્થો હજુ ખુલ્લામાં પડયો છે. તેને કબ્જે કરવામાં આરોપીઓની રાહ જોવાઈ રહી છે.

(1:21 pm IST)