Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

મેંદરડાના પોલીસ કાફલા પર હુમલો કરવાનાં બનાવમાં ૪ મહિલા સહિત ૯ સામે કાર્યવાહી

યુવકને છોડાવવા ગયેલ સાવરકુંડલાનાં શખ્સોની ધરપકડ માટે તપાસ

જૂનાગઢ તા.ર૯: યુવકને છોડાવવા ગયેલ મેંદરડાના પોલીસ કાફલા પર થયેલા હુમલાના બનાવમાં પોલીસે ૪ મહિલા સહિત ૯ શખ્સો સામે કાર્યવાહી કરી તમામની ધરપકડ માટે તપાસ હાથ ધરી છે.

 આ બનાવની વિગતો એવી છે કે, મેંદરડાના આત વડલા વિસ્તારમાં રહેતો વિશાલ દિનેશભાઇ પરમાર નામનો દેવીપૂજક યુવાન ગઇકાલે બપોરે તેની પ્રેમીકાને મળવા માટે મેંદરડાનાં લીલવા ગામે ગયો હતો.

આ અંગેની જાણ થતાં યુવતિનાં પરિવારજનો ઘસી આવ્યા હતા અને લીલવા ગામની સીમમાં આંતરીને વિશાલ ઉપર તુટી પડયા હતા. આ અંગેની જાણ વિશાલની પ્રેમિકા સંગીતાએ પોલીસને કરતાં મેંદરડા ખાતેથી પોલીસ કાફલો વિશાલને છોડાવવા માટે લીલવાની સીમ ખાતે ઘસી ગયો હતો.

પરંતુ આ શખ્સો વિશાલને મુકીને પોલીસ કાફલા ઉપર તુટી પડયા હતા જેમાં પોલીસ પાર્ટી ઉપર પથ્થરમારો અને હુમલો થતા એએસઆઇ કંચનબેન પરમાર, પોલીસ જમાદાર હિતેષ બલદાણીયા, પો.ક. દિનેશ ચાવડા અને પોલીસ ડ્રાઇવર મકનસીંગભાઇ ભલગરીયાને ઇજા થઇ હતી. તેમજ પોલીસ વાહનને નુકશાન પહોંચાડયું હતું.

આ બનાવ અંગે એએસઆઇ કે.બી. પરમારે કેશુ બચુ સોલંકી, હરેશ કેશુ, ઇબ્રાહિમ કાળુ સિપાઇ, મંજુબેન કેશુ, ઉષાબેન  દિનેશ, કિરણબેન કેશુ, જશુબેન કેશુ, હિતેષ દિનેશ વગેરે સામે હુમલો અને પોલીસને ફરજમાં રૂકાવટની ફરિયાદ કરતાં પોલીસે જુદી-જુદી કલમો હેઠળ ધોરણસરની  કાર્યવાહી કરી હતી.

ઇજાગ્રસ્ત પોલીસ કર્મીઓને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

મેંદરડાના ઇન્ચાર્જ પી.એસ.આઇ. વી.યુ. સોલંકીએ હુમલાખોરોને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

(11:53 am IST)