Gujarati News

Gujarati News

News of Thursday, 29th February 2024

ઝારખંડની ટ્રેન કરુણાંતિકાના હતભાગીઓને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા મોરારિબાપુ

તળાજા : ગત બે દિવસ પહેલા ઝારખંડના જામતારિયા અને કાલાઝારિયા રેલવે સ્ટેશન પર એક અત્યંત કરુણ ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી જેમાં પ્રાપ્ત અહેવાલો અનુસાર ૧૨ લોકોનાં દુઃખદ મોત નીપજ્યા છે.  એક પેસેન્જર ટ્રેનમાં આગ લાગવાની માહિતીને કારણે લોકો તેમાંથી કુદવા લાગ્યા અને બાજુમાંથી પસાર થતી ટ્રેનની અડફેટે આવી જતા આ અત્યંત હૃદય દ્રાવક ઘટનામાં  ૧૨ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે અને અનેક લોકો ઘાયલ થવા પામ્યા છે. 

   અયોધ્યા રામકથા દરમિયાન પૂજ્ય મોરારીબાપુ ને આ સમાચાર પ્રાપ્ત થયા હતા અને તેમણે આ કરુણ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૮૦,૦૦૦ ની સહાયતા અર્પણ કરી છે. અયોધ્યા રામકથાના મનોરથી પરિવાર દ્વારા આ રાશિ પહોંચાડવામાં આવશે અને તેમાં બનારસ સ્થિત રામકથાના શ્રોતાઓ મદદરૂપ થશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. તેમ મહુવાથી જયદેવ માંકડની યાદીમાં જણાવાયું છે.

(11:18 pm IST)