Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

ટંકારામાં આત્મવિલોપનની ચીમકી બાદ તંત્ર જાગ્યું : વીજપોલ મામલે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી

પોલીસ, વિજતંત્ર, તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના હરિપર ગામે દોડી આવ્યા

 

ટંકારાના હરિપર ગામે વોકળામાં 3 વીજપોલ નાખવા મામલે ગ્રામજનોને વિરોધ નોંધાવ્યો છે. મામલે જેટકોને અનેક રજુઆત કરવા છતાં કોઈ પરીણામ મળતા અંતે ગ્રામજનોએ  આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જેના પગલે તંત્ર દોડ્યું હતું અને પોલીસ, વિજતંત્ર, તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના હરિપર ગામે દોડી જઈને વીજપોલ મામલે ગ્રામજનોને કોઈપણ રીતે નુકશાન થાય તે રીતે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

   ટંકારાના હરિપર ગામે જેટકો દ્વારા વોકળામા 3 વીજપોલ નાખવામાં આવ્યા છે. વોકળામાં ગામનું પાણી ભરાય છે. ચોમાસામાં પાણી નિકાલ થવું અઘરું હોય, તેમાં પણ મોટા વિજપોલના કારણે પાણી નિકાલનો પ્રશ્ન ઘેરો બની જશે. વીજપોલ નડતરરૂપ હોવાથી ગ્રામ પંચાયત દ્વારા જવાબદાર અધિકારીને અનેકવાર રજુઆત કરવામાં આવી છે. તેમ છતાં વીજપોલ હટાવવાની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેથી ગ્રામજનો દ્વારા આજે  વીજપોલના વિરોધમાં આત્મવિલોપન કરવાની ચીમકી આપવામાં આવી હતી. જેને લઈને તંત્ર હરકતમાં આવ્યું હતું અને ગતરાત્રથી ગ્રામજનો સાથે વિચારણા કરવાનો ધમધમાટ શરૂ કરાયો હતો. જેમાં ટંકારાના મહિલા પીએસઆઇ એલ.પી.બગડા, જેટકોના ડે. એન્જિનિયર, તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના હરિપર ગામે દોડી ગયા હતા અને ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરી હતી.

(11:47 pm IST)